સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં રસ્તા-પુલના ટેન્ડરમાં મોટો ફેરફાર: હવે 51થી 66 દિવસમાં મંજૂરી

ગુજરાતમાં રસ્તા-પુલના ટેન્ડરમાં મોટો ફેરફાર: હવે 51થી 66 દિવસમાં મંજૂરી

ગુજરાત સરકારે માર્ગ અને મકાન વિભાગના કામોમાં ટેન્ડર પ્રક્રિયાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયનો હેતુ રસ્તા, પુલ અને સરકારી ઈમારતોના બાંધકામમાં થતો બિનજરૂરી વિલંબ ઘટાડવાનો છે.

હવે ટેન્ડરની માન્યતાનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. આનાથી પ્રોજેક્ટ શરૂ કરવામાં લાગતો સમય ઘટશે.

નવા નિયમ મુજબ, જે ટેન્ડરોમાં ઈજારદારની પૂર્વ પાત્રતા જરૂરી નથી અને માત્ર ફાઈનાન્શિયલ બીડ જ ખોલવાની હોય છે, તે ટેન્ડરો ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણાં વિભાગ સુધીની પ્રક્રિયામાંથી પસાર થઈને મહત્તમ 51 દિવસમાં પૂરા કરવાના રહેશે. જ્યાં પૂર્વ પાત્રતા જરૂરી છે, એટલે કે ટેક્નિકલ અને ફાઈનાન્શિયલ બંને બીડની જરૂર પડે છે, તેવા ટેન્ડરો માટે મહત્તમ 66 દિવસમાં મંજૂરી પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

વાટાઘાટો અંગે પણ કડક નિયમ કરવામાં આવ્યા છે. બહોળી પ્રસિદ્ધિ પછી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તો કોઈ પણ પ્રકારની વાટાઘાટ ટાળવી પડશે. માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ વાટાઘાટ કરી શકાશે, અને તે પણ ફક્ત એક જ સ્તરે, સક્ષમ સત્તાધિકારી કક્ષાએ પૂરી કરવાની રહેશે.

જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ ન થાય તો સંબંધિત કક્ષાએ વિલંબનું કારણ નોંધીને તે અધિકારીની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે. અધૂરી દરખાસ્તો ફાઈલમાં મોકલીને સમય બગાડવાની જવાબદારી પણ દરખાસ્ત રજૂ કરનાર વિભાગની જ રહેશે.

સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી મંજૂર થશે, કામો સમયસર શરૂ થશે અને નાગરિકોને વહેલી સગવડ મળતાં તેમના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો થશે. સાથે વહીવટમાં પારદર્શિતા પણ વધશે.