વિક્રમ સંવત 2083ના પ્રથમ દિવસે ગુજરાતના મંદિરોમાં ભક્તિ અને આસ્થાનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરોમાં 'હર હર મહાદેવ', 'બોલ મારી અંબે', 'જય મા ઉમિયા' અને 'જય રણછોડ'ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ પરિવારના સુખ-સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં દેશ-વિદેશથી ભક્તો પહોંચ્યા હતા. તેમણે દિવ્ય શૃંગાર અને પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં શિવમંત્રોના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ઠાકોરજીને વિશેષ શૃંગાર કરાયો હતો. ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 10:00 થી 11:30, બપોરે 12:00 થી અનુકૂળતા મુજબ અને સાંજે 04:00 થી અનુકૂળતા મુજબ દર્શન થશે. ડાકોરની ગલીઓ 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠી હતી.
51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાતા અંબાજી ધામમાં પણ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી સજાવવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી સમયે કપાટ ખુલતાની સાથે જ ચાચર ચોકમાં 'બોલ મારી અંબે'ના નાદ સાથે ભક્તો ગરબે ઘૂમ્યા હતા. બપોરે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબિકેશ્વર મહાદેવ અને સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ વિશેષ આરતી થઈ હતી.
કડવા પાટીદાર સમાજની કુળદેવી ઊંઝા ઉમિયા માતાજી મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. 'જય માં ઉમિયા'ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. અનેક પગપાળા સંઘો પણ માતાજીના દ્વારે શીશ નમાવવા પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રોકાણ, ભોજન અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માનસરોવર વિશ્રાંતિ ગૃહ, ઉમા ભવન અને પથિકાશ્રમ ખાતે વિશેષ સુવિધા ઊભી કરાઈ હતી. સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવકોએ પાર્કિંગ અને સુરક્ષા માટે ચુસ્ત આયોજન કર્યું હતું.
ઐતિહાસિક નગર પાટણમાં નગરદેવી કાલિકા માતાજીના મંદિરે વિશેષ આગી શણગાર કરવામાં આવ્યો હતો અને પરંપરાગત મેળાની શરૂઆત થઈ હતી. કારતક સુદ એકમથી પૂનમ સુધી ચાલતા ઉત્સવો અંતર્ગત પાટણના રામજી મંદિરમાં અન્નકૂટ ધરાવાયો હતો.
જામનગરમાં 1964થી અવિરત ચાલતી રામધૂન માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ શ્રીરામ અને હનુમાનજીના દિવ્ય શૃંગારના દર્શન માટે એકત્ર થયા હતા.
આમ, નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય અને ઉત્સાહવર્ધક વાતાવરણ જોવા મળ્યું હતું.