સત્ય. સાહસ. સંકલ્પ.

બોગસ દાન કૌભાંડ: પાર્ટી સામે ફરિયાદ, 217 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ

બોગસ દાન કૌભાંડ: પાર્ટી સામે ફરિયાદ, 217 કરોડની ટેક્સચોરીનો આક્ષેપ

સ્વતંત્રતા અભિવ્યક્તિ અને ગરીબ કલ્યાણ પાર્ટી સામે બોગસ દાનના આરોપમાં CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, પાર્ટીએ 217 કરોડ રૂપિયાથી વધુની ટેક્સચોરી કરી છે. દાનના નાણાંમાંથી કમિશન કાપીને રોકડ પરત કરવામાં આવતી હતી. આ મામલે CID ક્રાઈમે તપાસ શરૂ કરી છે.

બીજા સમાચારમાં, ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 16 ઉમેદવારો જાહેર કર્યા છે. અત્યાર સુધી પાર્ટીએ 35 નામ જાહેર કર્યા છે. AAPમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા સૂર્યસિંહ ડાભીને વોર્ડ-2માંથી ટિકિટ અપાઈ છે.

સુરત નવી સિવિલમાં ડો. યોગેન પ્રજાપતિના આપઘાત બાદ ABVPએ ડીન ઓફિસ બહાર વિરોધ કર્યો હતો. વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી. લેખિત આશ્વાસન ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

શ્રમિકોના સંતાનો માટે ESICની 887થી વધુ મેડિકલ-પેરામેડિકલ બેઠકો અનામત છે, જેમાં અમદાવાદમાં MBBSની 25 સીટનો સમાવેશ થાય છે. MBBS-BDSની વાર્ષિક ટ્યુશન ફી માત્ર ₹24 હજાર છે, પરંતુ NEET પાસ કરવું ફરજિયાત છે.

શાળા સંચાલક મહામંડળે 3 શાળા દીઠ 1 વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ કરી છે. શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં 6 પડતર પ્રશ્નો રજૂ કરાયા. ઓલિમ્પિક-કોમનવેલ્થ માટે ખેલાડીઓ તૈયાર કરવા વ્યાયામ શિક્ષકોની અછત દૂર કરવાની રજૂઆત કરવામાં આવી.

રાજકોટ-અમદાવાદમાં ‘બાલાજી લોન’ અને ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામે વ્યાજખોરીનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બંને કોલ સેન્ટર પર દરોડા પાડી 32 ખેડૂતોના જમીન દસ્તાવેજો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. 5 સામે ગુનો નોંધાયો છે.

રાજકોટ આવાસ કૌભાંડમાં વકીલ હિરલ જોશીના નામે પણ આવાસ સામે આવ્યું છે. હિરલે સનદ પહેલાં અરજી કર્યાનો બચાવ કર્યો છે અને મેનેજર સામે ધમકીનો આરોપ લગાવ્યો છે.

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન મેયર-દંડકની ગાડી PIએ રોકતા વિવાદ સર્જાયો હતો. DCP સુધી પહોંચેલા આ મામલે વાઇરલ વીડિયોમાં DCP મંજીતાએ કહ્યું- ‘રાઈનો પર્વત ન કરાય’. બંને પક્ષે ખટરાગનો ઇનકાર કર્યો છે.

દસાડા-સમી હાઈવે પર ટ્રક પાછળ ઈકો ઘૂસતાં 2નાં મોત થયા છે. ભાગતા ક્લીનરનું ઝટકા મશીનના કરંટથી મોત થયું છે. વિરમગામથી શંખેશ્વર જતા જૈન પરિવારની ઈકોને અકસ્માત નડ્યો હતો.

ભાદરવી પૂનમના અંબાજી મહામેળાના અંતિમ દિવસે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે મા અંબાના શિખર પર ધજા ચડાવી હતી.