ગુજરાતના શૈક્ષણિક કેમ્પસોમાં છેલ્લા આઠ દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ ઘટનાઓ સુરત, રાજકોટ અને વડોદરામાં બની છે. વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈને અથવા ઊંચી ઈમારતો પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં છ દિવસમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. 19મી સપ્ટેમ્બરે એક વિદ્યાર્થિનીએ દસમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. 25મી સપ્ટેમ્બરે ત્રીજા વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી હેમંત સીતારામપ્રસાદ ગંધમે છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી. હેમંત મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લાનો રહેવાસી હતો અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 25મી સપ્ટેમ્બરે સવારે સાડા સાત વાગ્યે હેમંત સહાધ્યાયીઓ સાથે ત્રીજા માળના કલાસરૂમમાં પહોંચ્યો હતો. લગભગ આઠ વાગ્યે વોશરૂમના બહાને બહાર નીકળી લિફ્ટથી છઠ્ઠા માળે ગયો અને નીચે ઝંપલાવી દીધું. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દોડી ગયા હતા. કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
આ બનાવના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. પોલીસે બળપ્રયોગ કરતાં છ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
સુરતમાં 18મી સપ્ટેમ્બરે બી.કોમ.ની પરીક્ષા આપીને ઘરે પરત ફરેલા એક વિદ્યાર્થીએ 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 24મી સપ્ટેમ્બરે પી.જી. મેડિકલના બીજા વર્ષના વિદ્યાર્થીએ પણ આત્મઘાતી પગલું ભર્યું હતું. વડોદરામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એક જ વર્ષમાં 568 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, જે સરેરાશ દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીના દર દર્શાવે છે. આપઘાત કરનારાઓમાં 1024થી વધુ દીકરીઓ સામેલ છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી 108 વિદ્યાર્થીઓએ અને બેરોજગારીના કારણે 159 યુવાનોએ જીવન ટૂંકાવ્યું છે. નીટ પરીક્ષાના પેપર લીક અને અનિયમિતતાથી હતાશ થઈને પણ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણના વધતા ખર્ચા અને ફી માળખાને નિયંત્રિત કરવા માટે સરકારે નીતિ ઘડવી જોઈએ તેવી માંગ ઊઠી છે. વિદ્યાર્થી આપઘાતના કારણોની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરાવીને સમયબદ્ધ કાર્યયોજના જાહેર કરવી જોઈએ.