ગુજરાતના પ્રવાસનને આધુનિક બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ખાતે દેશની પ્રથમ AC વિસ્ટાડોમ બસ સેવાનો આજે (2 નવેમ્બર) પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરાયેલી 5 બસોમાંથી હાલ 2 બસો મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.
આગામી દિવસોમાં વધુ 3 AC વિસ્ટાડોમ બસો ખરીદવામાં આવશે, જે આગામી બે મહિનામાં કચ્છના રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. જેથી સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ આ લક્ઝરી મુસાફરીનો લાભ લઈ શકશે. આગળના તબક્કામાં રાજ્યના અન્ય હેરિટેજ રૂટ્સ પર પણ આ સેવા શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રેલવે દ્વારા અમદાવાદથી એકતાનગર જતી જનશતાબ્દી ટ્રેન તેમજ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યા છે, જેમાં મોટી કાચની બારીઓ અને પારદર્શક છતથી પ્રવાસીઓને બહારનો નજારો જોવા મળે છે. રેલવેના આ મોડેલ બાદ હવે એસટી નિગમે રોડ ટ્રાન્સપોર્ટમાં દેશની પ્રથમ વિસ્ટાડોમ બસ શરૂ કરી છે.
બસની મુખ્ય વિશેષતાઓ:
- કિંમત અને ડિઝાઇન: એક બસની કિંમત 2.19 કરોડ રૂપિયા છે. તેમાં ટ્રાન્સપરન્ટ સ્કાય-વ્યૂ રૂફ આપવામાં આવી છે, જેથી AC કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લું આકાશ અને કુદરતી નજારો સ્પષ્ટ દેખાશે.
- બેઠક ક્ષમતા: બસમાં પ્રવાસીઓ માટે 23 રિવોલ્વિંગ (360 ડિગ્રી ફરી શકે તેવી) અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ તથા 1 ડ્રાઇવર બેઠક છે.
- કેબિન સુવિધાઓ: મુસાફરો માટે પ્રીમિયમ એલઇડી સ્માર્ટ ટીવી, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે.
- સુરક્ષા વ્યવસ્થા: અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ, ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસ અને સીસીટીવી કેમેરા ફીટ કરાયા છે.
- એક્સટીરિયર લુક: બસની બોડી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ, દ્વારકા, ગીર, અડાલજની વાવ, ધોરડો, તરણેતર અને વિજય વિલાસ પેલેસના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવાયા છે.