દિવાળીના તહેવારો નજીક આવતાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST)એ મુસાફરોની ભીડને પહોંચી વળવા મોટું આયોજન કર્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને ગોધરા તરફના રસ્તાઓ પર 2500થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે.
સુરતમાં વસતા રત્નકલાકારો અને શ્રમિકો માટે આ સેવા ખાસ ઉપયોગી બની છે. ખાનગી બસોમાં ભાડું 800થી 900 રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે ST બસમાં 400થી 450 રૂપિયામાં મુસાફર પોતાના ગામ પહોંચી શકે છે. આથી મુસાફરોને આર્થિક રાહત થાય છે.
ધારાસભ્ય કિશોર કાનાણીએ લોકોને વધુમાં વધુ સરકારી બસનો ઉપયોગ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દિવાળી પર લાખો લોકો એકસાથે વતન જાય છે, ત્યારે સરકારે આ સારી વ્યવસ્થા ઊભી કરી છે.
ખાસ કરીને 4થી 7 ઓક્ટોબર દરમિયાન 1600 બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા સુરતના શ્રમિકો, રત્નકલાકારો અને અન્ય નાગરિકોને તેમના વતન સુધી પહોંચવામાં મદદ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો છે.