ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર ફરજ બજાવતા સૈનિકો અને તેમના પરિવારો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કર્યો છે. આ સુધારા હેઠળ ગ્રામ પંચાયત વિસ્તારમાં સૈનિકોના પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપવામાં આવશે.
આ નિર્ણયનો લાભ ફરજ બજાવતા સંરક્ષણ દળોના જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓને મળશે. જોકે, કરમુક્તિનો લાભ સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક જ રહેણાંક મિલકત માટે મળશે.
શહીદ જવાનોના પરિવારોને પણ આ નિર્ણયથી સીધી આર્થિક રાહત મળશે. દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોની વિધવાઓના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપીને રાજ્ય સરકારે શહીદ પરિવારો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે.
આ કરમુક્તિ માત્ર પોતાના રહેણાંક ઉપયોગ માટેના એક મકાન પૂરતી મર્યાદિત રહેશે. એટલે કે સૈનિક અથવા પાત્ર લાભાર્થીની અન્ય મિલકતોને આ જોગવાઈ હેઠળ આપમેળે કરમુક્તિ નહીં મળે.
રાજ્ય સરકારે આ નિયમમાં સુધારો કરતા પહેલાં ડિસેમ્બર 2025માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારબાદ સંબંધિત વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા વાંધા-સૂચનો પર વિચારણા કર્યા બાદ હવે અંતિમ સુધારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી (સુધારા) નિયમો, 2026’ જાહેર કર્યા છે. આ સુધારા નિયમો સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયથી સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ પરિવારોને તેમના રહેણાંક મકાનના કરમાં આર્થિક રાહત મળશે.