ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો, શ્રમિકો તથા ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા કર્મચારીઓને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના હેઠળ 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. હવે નાના અને મધ્યમ વર્ગના પરિવારો, ગરીબ તથા વંચિત પરિવારોને સોલાર સિસ્ટમ લગાવવામાં મદદરૂપ થવા રાજ્ય સરકારે વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારની સબસિડી ઉપરાંત રાજ્ય સરકારની સહાય મળવાથી સામાન્ય વીજ ગ્રાહકે સોલાર સિસ્ટમના બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10 ટકા અને SC/ST કેટેગરીના ગ્રાહકે માત્ર 5 ટકા જ ખર્ચ ભોગવવાનો રહેશે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી પૂરી કરવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી 3 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે અને સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે.
જૂની અને નવી સોલાર સબસિડી યોજનામાં કેટલો ફાયદો?
જૂની સૂર્ય ગુજરાત યોજના હેઠળ 1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે અંદાજિત ખર્ચ રૂ. 46,827 ગણીએ તો રાજ્ય સરકારની 40% સબસિડી રૂ. 18,731 થતી હતી અને લાભાર્થીનો બાકીનો ફાળો અંદાજે રૂ. 28,096 રહેતો હતો. જ્યારે નવી યોજના હેઠળ 1 કિલોવોટની સિસ્ટમનો બેન્ચમાર્ક ખર્ચ રૂ. 54,000 છે. તેમાં કેન્દ્ર સરકાર રૂ. 32,400 અને રાજ્ય સરકાર સામાન્ય વર્ગને રૂ. 16,200 તથા SC/ST વર્ગને રૂ. 18,900 સહાય આપશે. પરિણામે સામાન્ય ગ્રાહકે માત્ર રૂ. 5,400 અને SC/ST ગ્રાહકે રૂ. 2,700 ચૂકવવાના રહેશે.
તેવી જ રીતે, જૂની યોજનામાં 2 કિલોવોટની સિસ્ટમનો અંદાજિત ખર્ચ રૂ. 93,654 ગણીએ તો 40% રાજ્ય સબસિડી રૂ. 37,462 બાદ લાભાર્થીનો ફાળો અંદાજે રૂ. 56,192 રહેતો હતો. જ્યારે નવી યોજના હેઠળ 2 કિલોવોટ સિસ્ટમનો બેન્ચમાર્ક ખર્ચ રૂ. 1,07,200 છે. તેમાં કેન્દ્ર સરકારની સહાય રૂ. 62,800 અને રાજ્ય સરકારની સહાય સામાન્ય વર્ગને રૂ. 33,600 તથા SC/ST વર્ગને રૂ. 38,960 દર્શાવાઈ છે. આ મુજબ સામાન્ય ગ્રાહકે રૂ. 10,720 અને SC/ST ગ્રાહકે રૂ. 5,360 ચૂકવવાના રહેશે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉ અમલમાં રહેલી જૂની ‘સૂર્ય-ગુજરાત’ યોજના હેઠળ રહેણાંક મકાનો માટે 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ પર 40% સુધીની માતબર સબસિડી મળવાપાત્ર હતી. જોકે, હવે આ માળખામાં નવો સુધારો કરીને વધારાની સબસિડી સહાય નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત સામાન્ય વર્ગના અરજદારો માટે સિસ્ટમના નિયત બેન્ચમાર્ક ખર્ચના 30% તેમજ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના લાભાર્થીઓ માટે 35% જેટલી વિશેષ વધારાની આર્થિક સહાય દર્શાવવામાં આવી છે. આ નવી જોગવાઈથી રાજ્યમાં ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવાની સાથે સાથે તમામ વર્ગના પરિવારો પર સોલાર પેનલ બેસાડવાનો આર્થિક બોજ હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગ્રામસેવકોનું પ્રવાસ ભથ્થું રૂ. 1,850થી વધારી રૂ. 2,700 કરાયું
કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કૃષિ વિભાગમાં આશરે 2,900 ગ્રામસેવકો ફરજ બજાવે છે. એક ગ્રામસેવક સરેરાશ ચારથી પાંચ ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં અથવા તેનાથી વધુ ગામોમાં પ્રવાસ કરીને ખેતીવાડી સંબંધિત કામગીરી અને સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કામગીરીના વધતા વ્યાપ અને પ્રવાસને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
શ્રમિકો માટે વધુ અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાશે
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો અને ગરીબ પરિવારોના કલ્યાણ માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં એકસાથે 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે કે રાજ્યમાં શ્રમિકોની જરૂરિયાત મુજબ જ્યાં પણ વધુ કેન્દ્રોની જરૂર જણાય ત્યાં નવા અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ નિર્ણયથી શ્રમિકોને સસ્તા ભાવે ભોજન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાનો વધુ વિસ્તાર થઈ શકે છે.
સપ્ટેમ્બરમાં GST આવક રૂ. 8,167 કરોડ, 35%નો વધારો
ગુજરાતની GST આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સપ્ટેમ્બર 2026માં ગુજરાતને GST હેઠળ રૂ. 8,167 કરોડની આવક થઈ હતી. ગત વર્ષના સમાન મહિનામાં આ આવક રૂ. 6,050 કરોડ હતી. આમ, વાર્ષિક ધોરણે 35%નો વધારો થયો છે.