સત્ય. સાહસ. સંકલ્પ.

સોલાર રૂફટોપ પર રાજ્ય સરકારની વધારાની સબસિડી: સામાન્ય પરિવારોને 10% અને SC/STને 5% જ ખર્ચ

સોલાર રૂફટોપ પર રાજ્ય સરકારની વધારાની સબસિડી: સામાન્ય પરિવારોને 10% અને SC/STને 5% જ ખર્ચ

ગાંધીનગર: ગુજરાત સરકારે 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે વધારાની રાજ્ય સબસિડી જાહેર કરી છે. 21 ઓક્ટોબરે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ 2 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ લગાવતા સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 10% ફાળો ભોગવવાનો રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ગ્રાહકોએ માત્ર 5% ફાળો આપવાનો રહેશે.

નવા નિર્ણય મુજબ, 1 કિલોવોટ અને 2 કિલોવોટની સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક ખર્ચ સામે સામાન્ય ગ્રાહકોએ 10% અને SC/ST ગ્રાહકોએ 5% ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય અને લાભાર્થીના ફાળા બાદનો બાકીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ભોગવશે. આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે અને રાજ્ય સરકાર અંદાજે રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે.

એક મંત્રીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે, 1 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. 54,000 ખર્ચ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર તરફથી રૂ. 32,400 સહાય મળતી હતી અને બાકીની રૂ. 21,600 લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની વધારાની સબસિડીને કારણે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. 5,400 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. 2,700 ચૂકવવાના રહેશે.

તેવી જ રીતે, 2 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. 1,07,200 ખર્ચ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર તરફથી રૂ. 62,800 સહાય મળતી હતી અને બાકીની રૂ. 44,400 લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. 10,720 અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. 5,360 ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય બાદની બાકીની સમગ્ર રકમ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ભોગવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યના 14 લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તેમાંથી માત્ર 'પીએમ સૂર્ય ઘર' યોજના હેઠળ જ 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરીને પરિવારો આવક પણ મેળવી રહ્યા છે.