ગાંધીનગર: ગુજરાતમાં વીજળીની વધતી જતી માંગ અને ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યને સમયસર કોલસો મળી રહે અને જરૂરી વધારાની વીજળી ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવાના આદેશ અધિકારીઓને આપવામાં આવ્યા છે.
સાથે જ સરકાર એક નવી સોલાર રૂફટોપ યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના જરૂરિયાતમંદ પરિવારોને સીધો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરિવારોને માત્ર રૂ. 10,000ના નજીવા ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગો પર મોટો બોજ ન પડે અને તેઓ સરળતાથી પોતાના ઘરની છત પર સૌર ઊર્જા મેળવી શકે.
રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ કલ્યાણકારી યોજનાની સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલ શરૂ કરશે. આ પગલાથી આંતરિયાળ વિસ્તારોમાં પણ અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
સોલાર રૂફટોપ યોજના સામાન્ય નાગરિકો અને નાના વેપાર-ધંધા સાથે જોડાયેલા નાના સાહસિકો માટે પણ ઉપયોગી સાબિત થશે. રૂફટોપ દ્વારા સૌર ઊર્જા ઉત્પન્ન કરવાથી પરિવારોને દિવસ-રાત નિયમિત વીજળી મળશે અને રોજિંદા ખર્ચમાં પણ ઘટાડો થશે. નાના ઉદ્યમીઓ માટે આ યોજના વીજળી ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવશે અને તેમના નાના ઉદ્યોગોને નવું બળ પૂરું પાડશે. પર્વતીય વિસ્તારોના નાના એકમો માટે પણ વીજળીનો સતત પુરવઠો મેળવવો સરળ બનશે.
નોંધનીય છે કે, અત્યાર સુધી અમલમાં રહેલી 3 કિલોવોટ સોલારની મર્યાદાને વધુ હળવી કરવા સરકાર ગંભીર વિચારણા કરી રહી છે. સામાન્ય અને નાના પરિવારોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર હવે 3 કિલોવોટની જગ્યાએ 2 કિલોવોટ સોલાર ક્ષમતા મંજૂર કરવાનું આયોજન કરી રહી છે. આ સુધારાના પરિણામે નાના ગ્રાહકો પર મોંઘા સાધનો બેસાડવાનો વધારાનો આર્થિક બોજ નહીં આવે અને સામાન્ય પરિવારો પોતાની નાની છત પર સરળતાથી 2 કિલોવોટ સોલાર પેનલ લગાવી શકશે.
સોલાર રૂફટોપ યોજના એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એવી યોજના છે, જે ઘરના છાપરા પર સોલાર પેનલ લગાવવા માટે આર્થિક સહાય કે સબસિડી આપે છે. આ યોજના દ્વારા લોકો વીજળીનું બિલ ઘટાડી શકે છે અથવા મફત વીજળી મેળવી શકે છે.
રાજ્ય સરકારની આ સ્પેશિયલ સ્કીમ હેઠળ આદિવાસી અને ગરીબ પરિવારોને માત્ર રૂ. 5 હજારથી 10 હજાર સુધીનું મામૂલી રોકાણ કરવાનું રહેશે, જ્યારે બાકીની રકમ પર સબસિડીનો લાભ મળશે. આ નિર્ણયથી ડુંગરાળ વિસ્તારોના પરિવારો અને નાના ઘરેલું ઉદ્યોગકારોને વીજ બિલમાંથી મોટો છુટકારો મળશે. સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યાં આશરે 11 લાખથી વધુ પરિવારો સોલાર એનર્જીનો લાભ લઈ રહ્યા છે.