સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં SIRમાં રદ થયેલા 68 લાખ મતદારોના નામ ફરી ઉમેરવાની પ્રક્રિયા શરૂ, ચાર રવિવારે ખાસ કેમ્પ

ગુજરાતમાં SIRમાં રદ થયેલા 68 લાખ મતદારોના નામ ફરી ઉમેરવાની પ્રક્રિયા શરૂ, ચાર રવિવારે ખાસ કેમ્પ

ગુજરાતમાં ડિસેમ્બર 2025માં થયેલી સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી રદ થયેલા 68 લાખથી વધુ નામો ફરી ઉમેરવા માટે ભારતના ચૂંટણી પંચે રૂટિન 'મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર, એમ ચાર રવિવારે રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં બૂથ લેવલ ઓફિસર (BLO) અને નિયુક્ત અધિકારીઓ હાજર રહીને દાવા-વાંધાની અરજીઓ સ્વીકારશે.

ઉલ્લેખનીય છે કે ગત દિવાળી બાદ ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં મતદાર યાદીમાંથી બેવડાં, ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા 68 લાખથી વધુ મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ મતદારોની જાણ બહાર ફોર્મ-7 ભરીને મોટી સંખ્યામાં નામ રદ કરવામાં આવ્યાના કિસ્સા પણ સામે આવ્યા હતા. જેને લઈને રાજકીય વિવાદ સર્જાયો હતો.

અન્ય રાજ્યોમાં પણ મતદાર યાદીમાંથી આડેધડ નામ રદ કરવાની પ્રક્રિયા સામે વિરોધ વધતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે આંદોલન શરૂ થયું હતું. જેને પગલે સરકારે ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કર્યા છે અને કમી થયેલા મતદારોના નામ ફરી ઉમેરવા તેમજ નવા મતદારોને સામેલ કરવાની કવાયત હાથ ધરી છે.

આ પ્રક્રિયાને લઈને ચૂંટણી કમિશનરો વચ્ચે કથિત અંટસ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જો કે, ચૂંટણી પંચનું કહેવું છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે, જેનો હેતુ લાયક મતદારોને યાદીમાં સામેલ કરવાનો છે.