અમદાવાદના જય ભોલે ગ્રુપે પંચધાતુ અને માટીના બે શ્રીયંત્ર બનાવ્યા છે, જે હવે જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના ધામમાં સ્થાપિત થયા છે. આ શ્રીયંત્રો ખાસ વિધિ-વિધાન અને મુહૂર્ત મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.
જય ભોલે ગ્રુપના સ્થાપક દિપેશ પટેલે જણાવ્યું કે, શ્રીયંત્ર બનાવવાનો વિચાર લગભગ 14 વર્ષ પહેલાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનમાં હિંગળાજ માતાના મંદિર, નાસિકના સપ્તશૃંગી દેવી મંદિર અને ત્રિપુરામાં ત્રિપુરસુંદરી માતાના મંદિરમાં પણ શ્રીયંત્ર અર્પણ કર્યું છે. તાજેતરમાં વૈષ્ણોદેવી મંદિરની યજ્ઞશાળામાં પંચધાતુનું શ્રીયંત્ર સ્થાપિત કરાયું છે, જે આરાસૂરી અંબાજી માતાના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યું છે.
દિપેશ પટેલે વધુમાં જણાવ્યું કે, અમે અગાઉ 74 શ્રીયંત્ર બનાવ્યા, પરંતુ દરેક નિષ્ફળ રહ્યા. શ્રીંગેરીની મુલાકાત દરમિયાન અમને જાણવા મળ્યું કે, સામાન્ય કાર ખરીદવા માટે પણ મુહૂર્ત જોવામાં આવે છે, તેવી જ રીતે શ્રીયંત્રના દરેક પદ માટે ચોક્કસ મુહૂર્ત હોય છે. અમુક પદો માટે ચોક્કસ તિથિઓનું વર્ણન કરાયું છે અને તે તિથિઓ દરમિયાન જ શ્રીયંત્રનું નિર્માણ થવું જોઈએ. આ નિયમોનું પાલન કરતાં 75મું શ્રીયંત્ર સચોટ બન્યું.
પંચધાતુમાંથી બનાવેલા શ્રીયંત્રમાં સોના અને ચાંદીનો ઉપયોગ થાય છે. સોના-ચાંદીના ભાવ વધુ હોવાથી આ શ્રીયંત્રમાં લગભગ 10 ગ્રામ સોનું અને ચાંદીનું પ્રમાણ વધારે રાખવામાં આવ્યું છે.
માટીના શ્રીયંત્ર વિશે તેમણે જણાવ્યું કે, દેશની 51 શક્તિપીઠોમાંથી માટી એકઠી કરવાનો સંકલ્પ હતો. આ શ્રીયંત્ર 5 ઇંચનું છે અને તેનું વજન 1 કિલો છે. તેને બનાવવા માટે દરેક શક્તિપીઠમાંથી લગભગ 1 કિલો માટી લાવવામાં આવી હતી. માટીમાંથી શ્રીયંત્ર બનાવવા માટે ખાસ ડાઇ બનાવવામાં આવી, જેમાં માટીને ભેગી કરીને પ્રોસેસ કરવામાં આવી. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી અમદાવાદ એન્જિનિયર્સ કંપનીમાં VMC મશીનનો ઉપયોગ કરીને દરેક પદનું નિર્માણ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. મુહૂર્ત, નવરાત્રિ, શુભ દિવસો, નક્ષત્રો અને તિથિઓનું ધ્યાન રાખીને જ શ્રીયંત્રનું નિર્માણ કરવામાં આવે છે.
આ પહેલ માટે ગ્રુપના સભ્યો લગભગ 2 મહિના પહેલાં અંબાજી મંદિર ગયા હતા અને વૈષ્ણોદેવીમાં શ્રીયંત્ર સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંદિરના સંચાલકોએ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથે વાતચીત કરાવી હતી. એક મહિના પહેલાં ગ્રુપના સભ્યો વૈષ્ણોદેવી ગયા અને યજ્ઞશાળાની જગ્યા જોઈ, જે યોગ્ય લાગી. મંદિર અધિકારીઓએ યજ્ઞશાળામાં શ્રીયંત્ર સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી. પૂજા બાદ બનાસકાંઠાના કલેક્ટર અને જય ભોલે ગ્રુપના સભ્યોએ વૈષ્ણોદેવી ધામમાં શ્રીયંત્ર અર્પણ કર્યું હતું.
આમ, અડગ શ્રદ્ધા અને એન્જિનિયરિંગના સંગમથી બનેલા આ શ્રીયંત્રો ગુજરાતની કલાકારી અને ભક્તિનું પ્રતીક બન્યા છે.