ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે એક મહત્ત્વનું વિધેયક પસાર થયું છે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક, 2026 હેઠળ વેપાર-ધંધાની પ્રક્રિયા સરળ બનાવવા અને સરકારી મંજૂરીઓમાં લાગતો સમય ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નવા ફેરફાર મુજબ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે અને દુકાનો જેવા પાત્ર વ્યાપારી એકમો હવે 24 કલાક ખુલ્લા રાખી શકાશે. તહેવારો કે અન્ય ખાસ પ્રસંગોએ ગ્રાહકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વેપારીઓને વધુ સમય સુધી વ્યવસાય કરવાની સુવિધા મળશે.
જોકે આ છૂટ સાથે જવાબદારી પણ જોડાયેલી છે. એકમોએ પોતાની આસપાસની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી જાળવવી પડશે. એટલે 24 કલાક કામગીરીની છૂટ સાથે જાહેર વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી પણ વેપારી એકમો પર રહેશે.
સુધારાનો બીજો મહત્ત્વનો ભાગ ગુમાસ્તા કાયદા હેઠળની નોંધણી પ્રક્રિયા સાથે જોડાયેલો છે. હવે નોંધણી માટે વેપારીઓ સ્વ-ઘોષણા એટલે કે Self Declaration અને પોતે પ્રમાણિત કરેલા દસ્તાવેજો એટલે કે Self-Certified Documentsના આધારે અરજી કરી શકશે. અગાઉની વ્યવસ્થામાં નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા રહેતી હતી. નવા સુધારા બાદ આ પ્રક્રિયાને વધુ સરળ અને ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરકારનો દાવો છે કે આ પ્રક્રિયાથી મંજૂરી અને કાગળિયાંની કામગીરીમાં ઘટાડો થશે, વેપારીઓને સરળતા મળશે અને સરકારી તંત્ર પરનો વહીવટી બોજ પણ ઘટશે.
અત્રે નોંધવું જરૂરી છે કે 24 કલાક કામગીરીની છૂટનો અર્થ નિયમોમાંથી સંપૂર્ણ મુક્તિ નથી. શ્રમિકોના કામના કલાકો, રાત્રિ શિફ્ટ, સુરક્ષા અને અન્ય લાગુ પડતી જોગવાઈઓનું પાલન કરવું પડશે. ગુજરાતમાં 2026માં શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ કાયદામાં કામના કલાકો અને મહિલાઓની નાઈટ શિફ્ટ અંગે પણ અલગ સુધારા કરવામાં આવ્યા હતા.