ગુજરાત સરકારે ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’નો સત્તાવાર અમલ શરૂ કર્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) પ્રમાણે રાજ્યના દરિયાકાંઠે શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ રૂ. 58,953 કરોડના રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લસ્ટરોમાં ઉમેરાતું રોકાણ મળીને આ અંદાજ રૂ. 71,000 કરોડ સુધી પહોંચે છે. આ પગલાનો હેતુ વૈશ્વિક મરીન અને જહાજ નિર્માણ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિ મજબૂત કરવાનો છે.
કુછડીમાં રાજ્યનો સૌથી મોટો પાર્ક
પોરબંદર જિલ્લાના કુછડી ખાતે રાજ્યનો સૌથી મોટો ‘ફ્લેગશિપ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક’ ઊભો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 823 હેક્ટર જમીન અને 2.7 કિલોમીટર લાંબા વોટરફ્રન્ટ પર વિકસાવવાનો છે. પાર્ક પાછળ અંદાજે રૂ. 27,000 કરોડનું મૂડીરોકાણ થવાનો અંદાજ છે. તેમાં લેન્ડ-સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 3,300 કરોડની નાણાકીય સહાય કેન્દ્ર સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS) અને રાજ્ય સરકાર આપશે. આ યાર્ડમાં વાર્ષિક 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ (GT) જેટલી જહાજ નિર્માણ ક્ષમતા રહેશે. ત્યાં વિશ્વકક્ષાના મોટા જહાજો બનાવવાનું શક્ય બનશે.
ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કોરિડોરમાં યાર્ડ
રાજ્યના વધુ ત્રણ સ્થળોએ પણ મોટા શિપયાર્ડ બનશે.
ભાવનગર-ઘોઘા-વઢેરા-મીઠાપુર ક્લસ્ટરમાં 535 હેક્ટર વિસ્તાર અને 2.4 કિલોમીટર વોટરફ્રન્ટ પર વાર્ષિક 0.6થી 0.8 મિલિયન GT ક્ષમતાનું યાર્ડ હાલના મરીન ઇકોસિસ્ટમની વચ્ચે ઊભું થશે.
દક્ષિણ સૌરાષ્ટ્ર કાંઠે શરૂઆતમાં 250 હેક્ટર જમીન (ભવિષ્યમાં 300 હેક્ટર સુધી વિસ્તરી શકે) અને 5 કિલોમીટર લાંબા વોટરફ્રન્ટ પર એટલી જ ક્ષમતાનું યાર્ડ બનશે. તેને નેશનલ હાઈવે 51, રેલવે નેટવર્ક અને અમરેલી એરપોર્ટની સારી કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.
પશ્ચિમ મરિટાઇમ કોરિડોરમાં 260 હેક્ટર જમીન અને 2.3 કિલોમીટર વોટરફ્રન્ટ સાથે સમાન ક્ષમતાનું આધુનિક યાર્ડ તૈયાર થશે.
માત્ર જહાજ બાંધકામ પૂરતું નહીં
GMBના મેનેજિંગ ડિરેક્ટર અને CMO તરીકે ફરજ બજાવતા IAS અધિકારી અજયકુમારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માત્ર જહાજ બાંધવા પૂરતા મર્યાદિત નહીં રહે. અહીં ઓફશોર ફેબ્રિકેશન, ડ્રાય ડોક્સ, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્રો, ટેસ્ટિંગ સુવિધાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો સાથેનો સંપૂર્ણ ઉદ્યોગ સમૂહ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે IIT ખડગપુરે ગાણિતિક મોડેલિંગ, બાથિમેટ્રિક અને જીઓટેકનિકલ સર્વે પૂરા કર્યા છે.
છ નવા ગ્રીનફીલ્ડ પોર્ટ
રાજ્યમાં છ નવા ગ્રીનફીલ્ડ પોર્ટ કાર્યરત થવાથી ગુજરાતની વાર્ષિક કાર્ગો વહન ક્ષમતામાં આશરે 124 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)નો વધારો થશે.
મુન્દ્રા મરિટાઇમ કોરિડોર નજીકનું પોર્ટ પશ્ચિમ ગુજરાત માટે મુખ્ય ઔદ્યોગિક ગેટવે બનશે. તે કોલસો, મિનરલ્સ અને પેટ્રોકેમિકલ્સ માટે વાર્ષિક 15થી વધુ MMTPAની ક્ષમતા ધરાવશે. સિમેન્ટ અને કેમિકલ ઉત્પાદનો માટે 15 MMTPAની સુવિધા મળશે.
ભોગાત SPM અને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાનારું પોર્ટ રાજ્યનું મુખ્ય ‘એનર્જી પોર્ટ’ બનશે, જ્યાં લિક્વિડ કાર્ગો અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે 15 MMTPAની ક્ષમતા રહેશે. આ ઉપરાંત ટેક્સટાઇલ અને નિકાસ-આયાત (EXIM) વેપાર માટે 15થી વધુ MMTPA તેમજ દક્ષિણ ગુજરાતમાં બલ્ક કોમોડિટી અને મિનરલ્સ માટે 15 MMTPAનું બલ્ક કાર્ગો ગેટવે પોર્ટ તૈયાર કરાશે.
BOOT મોડેલ અને પાત્રતાના માપદંડ
આ છેય નવા પોર્ટ બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOOT) મોડેલ હેઠળ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે 30થી 50 વર્ષના કન્સેશન પિરિયડ માટે સોંપાશે. વૈશ્વિક સ્તરે અનુભવી ડેવલપર્સ ભાગ લઈ શકે તે માટે કડક આર્થિક માપદંડ નક્કી કરાયા છે. ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)માં જોડાવા ઇચ્છતી કંપનીનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું રૂ. 1,000 કરોડ અને નેટવર્થ લઘુત્તમ રૂ. 500 કરોડ હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.