સત્ય. સાહસ. સંકલ્પ.

હવે ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું અપમાન નહીં: ગુજરાત સરકારના નવા નિયમો

હવે ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું અપમાન નહીં: ગુજરાત સરકારના નવા નિયમો

અત્યાર સુધી શાળાઓમાં વિદ્યાર્થીની ક્ષમતા તેના માર્ક્સ અને પરીક્ષાના પરિણામથી માપવામાં આવતી હતી, પરંતુ હવે ગુજરાત સરકારે આ અભિગમ બદલવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે નિયમોમાં સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે કે શાળામાં ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન નહીં કરી શકાય કે તેની બીજા સાથે સરખામણી નહીં કરી શકાય.

નવી વ્યવસ્થા મુજબ દરેક શાળામાં 'સ્કૂલ વેલનેસ ટીમ' બનાવવી પડશે. આ ટીમ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, હતાશા, ભય અને અસામાન્ય વર્તનનાં શરૂઆતનાં સંકેતો ઓળખશે, જેથી વિદ્યાર્થીની મુશ્ચેલી ગંભીર બને તે પહેલાં જ શાળા સ્તરે મદદ મળી શકે.

શૈક્ષણિક દેખાવના આધારે વિદ્યાર્થીઓને આગળ કે પાછળ બેસાડવાની પ્રથા પણ હવે બંધ થશે. કોઈ વિદ્યાર્થીને જાહેરમાં ઉતારી પાડવો કે તેની સરખામણી કરવી નિયમ વિરુદ્ધ ગણાશે. શાળાઓએ એવું વાતાવરણ ઊભું કરવું પડશે જેથી વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવવા છતાં અપમાન કે ભયનો સામનો ન કરવો પડે.

નવી વ્યવસ્થામાં 'મનો-મિત્ર' નામની અનોખી પહેલ સામેલ છે. દરેક શાળામાં વિદ્યાર્થીઓમાંથી લીડર પસંદ કરાશે. આ મનો-મિત્ર પોતાના સહપાઠીઓની વાત સાંભળશે અને તેમને મુશ્કેલી હોય તો યોગ્ય શિક્ષક કે કાઉન્સેલર સુધી પહોંચાડવામાં મદદ કરશે. ઘણી વખત વિદ્યાર્થીઓ પરિવાર કે શિક્ષકો સામે પોતાની સમસ્યા વ્યક્ત કરતાં અચકાય છે, ત્યારે સહપાઠી સાથે વાત કરી શકે તેવો વિકલ્પ ઊભો કરવાનો આ પ્રયાસ છે.

શાળામાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તો એક લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિમણૂક કરવી પડશે. નાની શાળાઓએ નજીકના આરોગ્ય કેન્દ્રો, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અથવા ટેલી-માનસ સેવા સાથે જોડાણ કરવાનું રહેશે. એટલે હવે વિદ્યાર્થીની માનસિક સમસ્યાને માત્ર શિસ્તનો પ્રશ્ન ગણીને અવગણી શકાશે નહીં.

પરીક્ષા અને પરિણામના સમયે ખાસ ધ્યાન રાખવું પડશે. બોર્ડની પરીક્ષા, પરિણામ જાહેર થવાનો સમય અને ધોરણ 8માંથી 9 તથા ધોરણ 10માંથી 11માં પ્રવેશ જેવા તબક્કાઓમાં વિદ્યાર્થીઓ પર વધતું દબાણ ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શન આપવું પડશે. શાળાઓએ યોગ, ધ્યાન, રમતગમત, સંગીત, નૃત્ય અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ નિયમિત કરાવવી પડશે.

વિદ્યાર્થી આત્મહાનિ કે આત્મહત્યાના વિચારો ધરાવતો હોવાના સંકેત મળે તો શાળાએ તાત્કાલિક પગલાં લેવાં પડશે. કોઈ વિદ્યાર્થી આત્મહાનિનો પ્રયાસ કરે તો તેને એકલો છોડી શકાશે નહીં અને જરૂર મુજબ તબીબી મદદ આપવી પડશે. શાળાને જોખમની જાણ હોવા છતાં સમયસર પગલાં ન લેવાય અને ગંભીર ઘટના બને તો તેને સંસ્થાકીય બેદરકારી ગણવામાં આવશે. જવાબદાર શાળા કે અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકશે.

આ નિયમોના અમલ પર નજર રાખવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દેખરેખ સમિતિ પણ બનાવવામાં આવશે. આમ, સરકારની નવી વ્યવસ્થામાં શાળાઓની જવાબદારી માત્ર અભ્યાસ કરાવવા અને પરિણામ સુધારવા પૂરતી નહીં રહે, પરંતુ વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થ અને સુરક્ષિત રહે તેની જવાબદારી પણ શાળાએ નિભાવવી પડશે.