સત્ય. સાહસ. સંકલ્પ.

શાળામાં પ્રવેશ પર POCSO ન લાગે? રાજ્યના પરિપત્ર સામે સવાલ, મંત્રી વાજાએ કહ્યું- બાળકોની ગોપનીયતા જાળવવાનો હેતુ

શાળામાં પ્રવેશ પર POCSO ન લાગે? રાજ્યના પરિપત્ર સામે સવાલ, મંત્રી વાજાએ કહ્યું- બાળકોની ગોપનીયતા જાળવવાનો હેતુ

ગુજરાત સરકારે શાળાઓમાં બાળકોના રક્ષણ અને ગોપનીયતા જાળવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં શાળામાં બાહ્ય વ્યક્તિઓના પ્રવેશ અને પૂર્વ પરવાનગી વિના બાળકોની વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિપત્રની કલમ 9 મુજબ આવા કેસોમાં પોક્સો (POCSO) એક્ટ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ પગલાં લેવાની જોગવાઈ છે. જોકે, આ જોગવાઈ અંગે વકીલોએ સવાલ ઉઠાવ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ ઝકી શેખે જણાવ્યું કે, “પોક્સો એક્ટ હેઠળ જો કોઈ છેડતી કરે અથવા બાળક સાથે કોઈ ઘટના બને તો જ તે કાયદાનો ઉપયોગ થવો જોઈએ. પોક્સો એક્ટના ઉપયોગ કરતાં દુરુપયોગના પ્રમાણ વધી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે શાળાઓમાં પારદર્શિતા માટે સરકારે ઇન્ટરનેશનલ સ્કૂલોની જેમ વાલીઓને બાળકોની સ્કૂલના લાઇવ એક્સેસ આપવા વિચારવું જોઈએ.

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટતા કરી કે પરિપત્રમાં કોઈને શાળામાં પ્રવેશ આપવાની મનાઈ નથી, પરંતુ આચાર્ય કે વડાની મંજૂરીથી જ પ્રવેશ મળી શકશે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે અને સુપ્રીમ કોર્ટના પુટ્ટસ્વામી ચુકાદામાં ગોપનીયતાના અધિકારને માન્યતા આપવામાં આવી છે. પરિપત્રનો હેતુ બાળકોની ગોપનીયતા જળવાય, તેમના વીડિયો રેકોર્ડિંગ કરીને મીડિયામાં પ્રસારિત કરવાની ઘટનાઓ અટકે અને બાળકોને શાળામાં શાંતિપૂર્ણ, ગરિમામય તથા સુરક્ષિત વાતાવરણ મળે તે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, BNS સહિતના કાયદા હેઠળ કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો જ કાર્યવાહી થશે; માત્ર શાળામાં પ્રવેશ કર્યો હોય એટલા માટે કોઈ સામે કલમ લગાવવાની જોગવાઈ નથી.

આપના નેતા ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ બરબાદ કરી છે અને ભાજપના નેતાઓએ પોતાની ખાનગી શાળાઓ શરૂ કરી છે. તેમણે દિલ્હીનું ઉદાહરણ આપતાં કહ્યું કે અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી શાળાઓની સ્થિતિ દુનિયા સામે રજૂ કરી, જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર શાળાઓની વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર લૂંટ અને ગેરરીતિઓ છુપાવવા માટે કોઈ કટોકટીની પરિસ્થિતિ ન હોવા છતાં નોટિફિકેશન બહાર પાડવાનો આક્ષેપ કર્યો. ગઢવીએ પડકાર ફેંક્યો કે જો સરકારમાં તાકાત હોય તો સરકારી શાળાઓમાં પ્રવેશ રોકવા અંગે કાયદો બનાવીને રાષ્ટ્રપતિની મંજૂરી અપાવી બતાવે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી શાળાઓની વાસ્તવિકતા સામે ન આવે તે માટે વાલીઓ અને યુવાનોને POCSO કાયદા હેઠળ કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે શાળા પ્રવેશ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી અંગેનો પરિપત્ર ભાજપની ભ્રષ્ટ સરકાર અને શિક્ષણ વિભાગની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે ભાજપની સરકાર ગરીબી હટાવી શકતી નથી તેથી ગરીબોને હટાવવાના ખેલ કરે છે.