ગુજરાત સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવો વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ નિયમ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને NCERTના 'ઉમ્મીદ' (UMMEED) મોડલ પર આધારિત છે.
નવા નિયમનો હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ આપવાનો અને આત્મહત્યા જેવા ગંભીર બનાવોને અટકાવવાનો છે. જો કોઈ વિદ્યાર્થી હતાશા કે તણાવમાં હોય, તો તેની વહેલી ઓળખ કરીને યોગ્ય સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.
રાજ્યની દરેક નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'સ્કૂલ વેલનેસ ટીમ' (SWT) બનાવવી ફરજિયાત રહેશે. આ ટીમના લીડર શાળાના આચાર્ય રહેશે. ટીમમાં શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા 'મનો-મિત્ર' (પીઅર મોનિટર) સામેલ હશે. 'મનો-મિત્ર' સાથી વિદ્યાર્થીઓને ભાવનાત્મક ટેકો આપશે અને તેમના પ્રશ્નો સાંભળશે.
100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં લાયકાત ધરાવતા કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિકની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓએ નજીકના આરોગ્ય કેન્દ્ર સાથે જોડાણ કરવાનું રહેશે.
નવી જોગવાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓના માર્ક્સ કે શૈક્ષણિક દેખાવના આધારે તેમને અલગ બેસાડી શકાશે નહીં. વર્ગખંડમાં કોઈ પ્રકારનું વિભાજન કરી શકાશે નહીં. ઓછા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન કરવું કે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરીને તેને નીચો દેખાડવો હવે ગુનો ગણાશે. શાળાએ વિદ્યાર્થીઓનું ગૌરવ જળવાય તેવું સકારાત્મક વાતાવરણ ઊભું કરવું પડશે.
વિદ્યાર્થીઓનું મન પ્રફુલ્લિત રહે તે માટે રમતગમત, યોગ, ધ્યાન, સંગીત અને એન.સી.સી. જેવી ઈતર પ્રવૃત્તિઓ નિયમિત કરાવવી પડશે. શાળામાં હેલ્પ બોક્સ અને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરો પણ ફરજિયાત દર્શાવવા પડશે.
આ નિયમોના પાલન માટે શાળાના તમામ સ્ટાફને વર્ષમાં બે વાર માનસિક સ્વાસ્થ્ય અંગેની ખાસ તાલીમ આપવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થીમાં આપઘાત કે હતાશાના લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક મનોવૈજ્ઞાનિક પ્રથમ સહાય આપવી પડશે. શાળાની બેદરકારીને કારણે કોઈ વિદ્યાર્થીને ગંભીર નુકસાન કે આત્મહત્યા થાય તો તેને 'સંસ્થાકીય દોષ' ગણવામાં આવશે અને જવાબદાર શાળા સંચાલકો કે અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની કોઈ પણ ખાનગી માહિતી કે કાઉન્સેલિંગની વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની રહેશે. શાળામાં રેગિંગ, સાયબર બુલિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટે મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે.
આ સમગ્ર માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોવા માટે જિલ્લા સ્તરે ખાસ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટર રહેશે અને તેમના આદેશોનું પાલન તમામ શાળાઓ માટે ફરજિયાત રહેશે.