સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતની સ્કૂલોમાં બહારના લોકોના પ્રવેશ પર કડક નિયમ: મંજૂરી વિના રીલ્સ બનાવી તો POCSO હેઠળ ગુનો

ગુજરાતની સ્કૂલોમાં બહારના લોકોના પ્રવેશ પર કડક નિયમ: મંજૂરી વિના રીલ્સ બનાવી તો POCSO હેઠળ ગુનો

ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે શાળામાં પ્રવેશ કરવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. આ નિર્ણય દાહોદની ઘટના બાદ લેવામાં આવ્યો છે.

નવી માર્ગદર્શિકા મુજબ, વાલીઓ, અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ અને સંકલનકારો સિવાયના બહારના લોકોએ શાળામાં પ્રવેશતા પહેલા લેખિત મંજૂરી લેવી પડશે. દરેક મુલાકાતીએ શાળાના રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે. મંજૂરી વિના વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતના મેદાન કે શૌચાલય જેવા વિસ્તારોમાં પ્રવેશ કરી શકાશે નહીં. શિક્ષણ વિભાગે નિરીક્ષણ અધિકારીઓને આ નિયમોનું પાલન કરાવવા સૂચના આપી છે.

શાળામાં આચાર્યની લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે ઓડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહીં. ઇન્ટરવ્યુ, લાઇવ સ્ટ્રીમિંગ અને મનોરંજન માટે રીલ્સ કે શોર્ટ વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ છે. નિયમોનો ભંગ કરનાર સામે પોક્સો (POCSO) એક્ટ, બાળ સંભાળ અને સંરક્ષણ કાયદા તથા IT એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ માર્ગદર્શિકા બાદ સરકારી શાળાઓમાં યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમો અંગે પ્રશ્નો ઊભા થયા છે. આવા કાર્યક્રમોમાં નેતાઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય બહારના લોકો શાળામાં પ્રવેશે ત્યારે તેમના માટે લેખિત મંજૂરીની જોગવાઈ કેવી રીતે લાગુ પડશે તે અંગે ચર્ચા થઈ રહી છે. કાર્યક્રમો દરમિયાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે કઈ પ્રક્રિયા અપનાવવી પડશે તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ઓગસ્ટમાં સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા લાગુ કરી હતી. આ પહેલા માર્ચમાં દિલ્હી સરકારે પણ સરકારી અને મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે બહારના લોકોના પ્રવેશ તથા ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી પર નિયંત્રણ મૂક્યું હતું. હવે ગુજરાતે પણ આ દિશામાં પગલું ભર્યું છે.