ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતો કડક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ હવે શાળામાં પ્રવેશ કે વીડિયોગ્રાફી માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત રહેશે. સરકારનો દાવો છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે લેવાયો છે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ બિનઅધિકૃત વ્યક્તિ શાળામાં પ્રવેશી શકશે નહીં. વિદ્યાર્થીઓ, શિક્ષકો કે શાળાની પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ પણ મંજૂરી વિના કરી શકાશે નહીં. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. માત્ર સરકારી અધિકારીને આ નિયમમાંથી અપવાદ રાખવામાં આવ્યો છે.
જોકે, આ પરિપત્ર સામે વાલીઓ અને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ નિર્ણય ખરેખર બાળકોની સુરક્ષા માટે છે કે પછી સરકારી શાળાઓની દુર્દશા છુપાવવાનો પ્રયાસ છે. મીડિયા પર પણ પ્રશ્ન ઊભો થયો છે કે શું લોકશાહીનું ચોથું સ્તંભ ગણાતું મીડિયા પણ શાળાઓની હાલત ઉજાગર કરી શકશે નહીં?
અગાઉ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં શિક્ષક ઊંઘતા ઝડપાયા છે, વિદ્યાર્થીઓ પાસે ભણતરની જગ્યાએ બિનજરૂરી કામ લેવાયા છે, શિક્ષક દારૂ પીને શાળાએ આવ્યા છે અને શિક્ષક-શિક્ષિકા રંગરેલિયા મનાવતા ઝડપાયા છે. વિદ્યાર્થિની સાથે છેડતી કે દુષ્કર્મના બનાવો પણ બન્યા છે. આવી ઘટનાઓ ઉજાગર કરવા અને જવાબદારી માંગવા માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે. પરિપત્ર બાદ એવી ભીતિ સેવાઈ રહી છે કે શાળામાં ઓન-રેકોર્ડ ઘટના બને તો પણ મંજૂરી વિના કેમેરામાં કેદ કરી શકાશે નહીં, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ જોખમમાં મુકાઈ શકે છે.
બીજી તરફ, રાજ્યની સેંકડો સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં છે. ક્યાંક ધાબાના પોપડા ઉખડી રહ્યા છે તો ક્યાંક ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે. માસૂમ બાળકોના માથા પર મોત ભમતું હોય તેવી ઇમારતો વચ્ચે તંત્રને બાળકોની ચિંતા છે કે કોઈ તેનો વીડિયો ઉતારી ન લે. આ સ્થિતિમાં પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નો ઊભા થાય છે.
મીડિયાએ પણ જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવું જોઈએ કે જેથી બાળકોની ગોપનીયતા અને સુરક્ષા જળવાઈ રહે. પરંતુ સુરક્ષાના નામે શાળાઓમાં થતી ગેરરીતિઓ અથવા વાલીઓ-વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ સરકારની શિક્ષણ પ્રત્યેની જવાબદારી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર પાસે આ સવાલોના જવાબ છે કે નહીં તે જોવાનું રહે છે.