સત્ય. સાહસ. સંકલ્પ.

શાળા-કોલેજોમાં બહારના પ્રવેશ પર પ્રતિબંધને લઈને શક્તિસિંહનો સરકાર પર આકરોશ

શાળા-કોલેજોમાં બહારના પ્રવેશ પર પ્રતિબંધને લઈને શક્તિસિંહનો સરકાર પર આકરોશ

ગુજરાતમાં શાળા અને કોલેજોમાં બહારના લોકોના પ્રવેશ અંગે શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્ર સામે રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ પરિપત્રને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર શાળા-કોલેજોમાં તાળાબંધી કરવા તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાને બદલે તેમના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે.

કોંગ્રેસ નેતાએ સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સરકારી શાળાઓની હાલત ચિંતાજનક બની રહી છે, અને આવા સમયે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાને બદલે તેમના પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે.

તેમણે ભાજપના નેતાઓની માલિકીની મોટી શાળા અને કોલેજોનો ઉલ્લેખ કરીને સરકારી અને ખાનગી શિક્ષણ વ્યવસ્થા વચ્ચેના તફાવત તરફ પણ ધ્યાન દોર્યું હતું.

શક્તિસિંહ ગોહિલે ગુજરાતી પેપરની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે શંકા વ્યક્ત કરી કે શિક્ષણ ક્ષેત્રની આવી સમસ્યાઓ ઉપર ધ્યાન ન જાય તે માટે જ આ પ્રકારના પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હોવાની શક્યતા છે.

નોંધનીય છે કે શિક્ષણ વિભાગે શાળા અને કોલેજોમાં મંજૂરી વિના બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રની જાહેરાત બાદ શિક્ષણ ક્ષેત્રે સરકારી નીતિઓ અંગે ચર્ચા શરૂ થઈ છે.