ગુજરાતમાં 2010 પહેલાં ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર વિભાગે બેકલોગ એન્ટ્રી મંજૂરીનું કેન્દ્રીકરણ અમદાવાદ, વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર RTO ખાતે કર્યું છે. પરંતુ આ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન કરાતાં હજારો અરજીઓ પેન્ડિંગ રહી છે. જેના કારણે લાયસન્સ એક્સપાયર થઈ જતાં અરજદારોને 400 રૂપિયાને બદલે 800 રૂપિયાથી વધુ ફી ચૂકવવી પડે છે અને ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવો પડે છે.
રાજ્યભરમાં વર્ષ 2010 પહેલાં ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે બેકલોગ એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા ઝડપી બનાવવાના ઉદ્દેશથી વાહન વ્યવહાર વિભાગે એક મહિના પહેલાં પરિપત્ર બહાર પાડીને અરજીઓની મંજૂરીનું કેન્દ્રીકરણ કર્યું હતું. જે મુજબ અન્ય જિલ્લાઓની બેકલોગ અરજીઓનો નિકાલ અમદાવાદ (સુભાષબ્રિજ), વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર RTOના ઇન્સ્પેક્ટરો દ્વારા કરવાનો આદેશ કરાયો હતો. જો કે, આ પરિપત્રમાં અરજીના નિકાલ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી ન કરાતાં હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
કોઈ ચોક્કસ ડેડલાઇન ન હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી અમદાવાદ અને વસ્ત્રાલ ખાતે આવતી ફાઈલોનો નિકાલ કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. સમયસર મંજૂરી ન મળવાના લીધે અરજદારોના જૂના લાયસન્સ એક્સપાયર થઈ રહ્યા છે. સામાન્ય સંજોગોમાં લાયસન્સ રિન્યુ કરાવવાની સત્તાવાર ફી 400 રૂપિયા છે. પરંતુ વિભાગના વિલંબને કારણે લાયસન્સ એક્સપાયર થઈ જતાં અરજદારોએ હવે 800 રૂપિયાથી વધુ ફી ચૂકવવી પડી રહી છે.
માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ અરજદારે સમગ્ર પ્રક્રિયા નવેસરથી શરૂ કરી ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડી રહ્યો છે. હાલમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 2-2 મહિના સુધી એપોઇન્ટમેન્ટ ન મળતી હોવાથી લોકોની હાલાકી બેવડાઈ છે.
માહિતી મુજબ, અમદાવાદ અને વસ્ત્રાલ RTOમાં દર મહિને વર્ષ 2010 પહેલાંના અંદાજે 300 લાયસન્સ રિન્યુઅલ માટે આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ હોવા છતાં વાહન વ્યવહાર વિભાગના ટેકનિકલ વિભાગના જવાબદાર અધિકારી પોતાની ફરજ અને જવાબદારી સ્વીકારવાથી છટકી રહ્યા છે. વિભાગના ઉચ્ચ અધિકારીઓ વ્યવસ્થા સુધારવાના બદલે પોતાની ખામીઓનો દોષ એકબીજા પર ઢોળી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ RTOના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે, આ અંગેનો પરિપત્ર સીધો ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી/વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. તેનું સીધું મોનિટરિંગ અને કામગીરીનું સુપરવિઝન પણ વિભાગ પોતે જ કરી રહ્યું છે, જેથી સ્થાનિક કચેરીની કોઈ સીધી જવાબદારી બનતી નથી. અધિકારીઓની આ આંતરિક ખેંચતાણ અને ઉદાસીનતા વચ્ચે નિર્દોષ અરજદારોએ સમય, પૈસા અને માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.