સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત RTOમાં મોટી બદલી: 98 મોટર વાહન નિરીક્ષકોના તબદીલા, 85 ને ઇન-સિટુ બઢતી

ગુજરાત RTOમાં મોટી બદલી: 98 મોટર વાહન નિરીક્ષકોના તબદીલા, 85 ને ઇન-સિટુ બઢતી

ગુજરાત વાહન વ્યવહાર વિભાગે મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓની મોટી બદલી કરી છે. વિભાગ દ્વારા કુલ 98 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 85 અધિકારીઓને ઇન-સિટુ બઢતી આપવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે.

આ બદલીમાં અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, મહેસાણા, પાલનપુર અને વલસાડ સહિત રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. બદલીના હુકમમાં અધિકારીઓની હાલની કચેરી અને નવી નિમણૂકની જગ્યાની વિગતો આપવામાં આવી છે. આ ફેરફારથી વિવિધ કચેરીઓમાં અધિકારીઓની જવાબદારીઓમાં પણ ફેરફાર થશે.

બદલીની સાથે વિભાગે 85 અધિકારીઓને ઇન-સિટુ બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. ઇન-સિટુ બઢતીનો અર્થ એ છે કે અધિકારીને તેમની હાલની જગ્યાએ ફરજ બજાવતાં બઢતીનો લાભ આપવામાં આવે છે. એટલે કે, બઢતી મેળવવા માટે તેમને નવી જગ્યાએ બદલી કરાવવી જરૂરી નથી. આ નિર્ણયથી સંબંધિત અધિકારીઓને હોદ્દાકીય બઢતીનો લાભ મળશે, જ્યારે તેઓ પોતાની હાલની કચેરીમાં રહીને કામગીરી ચાલુ રાખી શકશે.

મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓની આ સામૂહિક બદલી અને બઢતીથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગના વહીવટી માળખામાં ફેરફાર થશે. જોકે, આ અચાનક નિર્ણય અંગે કોઇ સત્તાવાર કારણ નહી પરંતુ જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે.