ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ચાર ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે, તો દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કાર ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી છે. વડોદરામાં પણ હિટ એન્ડ રનની ઘટના બની છે.
પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી, ત્રણના મોત
સુરેન્દ્રનગરના પાટડીના વડગામ-પાનવા રોડ પર ઈકો કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દરમિયાન ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતાં ઝટકા મશીનના કરંટની અડફેટે આવી ગયો, જેના કારણે તેનું પણ મોત થયું. આમ, આ એક જ અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.
રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રન
રાજકોટમાં રાફતારના કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પગપાળા જઈ રહેલા વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
દીવના ઘોઘલામાં શોભાયાત્રામાં કાર ઘૂસી
દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બેફામ કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર શોભાયાત્રામાં ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના આરોપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં હિટ એન્ડ રન, થાર ચાલક ઝડપાયો
વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા થાર કારના ચાલકને અંતે કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, નંબર પ્લેટ વગરની થાર કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતો હોવાનો પણ આરોપ છે. કારેલીબાગ પોલીસે થાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.