અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષા સમિતિની કડક માર્ગદર્શિકા હોવા છતાં, રાજ્યના હાઈવે અને શહેરોની અંદરની સડકો પર સ્પીડ લિમિટનો ભંગ થઈ રહ્યો છે.
સરકારી આંકડા મુજબ, રાજ્યમાં થતા જીવલેણ અકસ્માતોમાં 95 ટકાથી વધુ કેસ ઓવરસ્પીડિંગના કારણે બન્યા છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 48થી વધુ અકસ્માતો નોંધાય છે, જેમાં દરરોજ 21થી વધુ લોકો જીવ ગુમાવે છે. કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ હેઠળ ખાનગી અને જાહેર વાહનોમાં સ્પીડ લિમિટિંગ ડિવાઇસ ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશો પણ કાગળ પર જ સીમિત રહ્યા છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ચાર પૈડાવાળા વાહનો માટે 70 કિમી/કલાક અને બે પૈડાવાળા વાહનો માટે 60 કિમી/કલાકની ઝડપ મર્યાદા નક્કી કરી છે. પરંતુ એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ કે સિંધુ ભવન રોડ પર વાહનો આ મર્યાદા કરતાં બમણી કે તેથી વધુ ઝડપે દોડતા હોવાનું જોવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી તથા ગુજરાત હાઈકોર્ટની ટકોર છતાં જમીની સ્તરે ચેકિંગ અને મોનિટરિંગ થતું નથી.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના જુલાઈ મહિના સુધીમાં રાજ્યમાં અકસ્માતોની સંખ્યા 16,112 પર પહોંચી છે, જે ગયા વર્ષના કુલ આંકડાના 88 ટકા છે. આ સમયગાળામાં ઈજાના કિસ્સામાં 28.3 ટકાનો વધારો નોંધાયો છે. આંકડામાં અમદાવાદ રાજ્યમાં સૌથી આગળ છે.
સુપ્રીમ કોર્ટે સ્પીડ લિમિટ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે: શાળા, હોસ્પિટલ અને ગીચ વિસ્તારો જેવા હાઈ-રિસ્ક ઝોનમાં ઝડપ મર્યાદા ઘટાડવી અને તેનો કડક અમલ કરાવવો; તમામ કોમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં સ્પીડ ગવર્નર (મહત્તમ 80 કિમી/કલાક) અને સ્કૂલ બસોમાં 40 કિમી/કલાકની મર્યાદા ફરજિયાત કરવી; હાઈવે અને શહેરી રસ્તાઓ પર સ્પીડ ગન, સીસીટીવી કેમેરા અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સથી દેખરેખ રાખવી; અકસ્માત ઝોન (બ્લેક સ્પોટ્સ) ઓળખી સુધારવા અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં ગતિ મર્યાદા તાકીદે ઘટાડવી; તેમજ પદયાત્રીઓની સુરક્ષા માટે અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી ગીચ વિસ્તારોમાં ઝડપ 30 કિમી/કલાક સુધી મર્યાદિત કરવી.
ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદના એસ.જી. હાઈવે અને અન્ય માર્ગો પર થતા જીવલેણ અકસ્માતો અંગે ટ્રાફિક સત્તાધીશોને કાયદાના અમલીકરણમાં શિથિલતા ન ઢાળવા સૂચના આપી છે.