ગુજરાતમાં મહીસાગર, ખેડા અને સુરત જિલ્લામાં અલગ-અલગ રસ્તા અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ત્રણેય ઘટનાઓ ગઈકાલે બની હતી.
મહીસાગર: કાર-બાઇક અકસ્માતમાં બે મહિલાના મોત
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કેળામૂળથી માલવણ જતા માર્ગ પર ભુખી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક પર સવાર બે મહિલાઓને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બાઇક પર સવાર એક પુરુષ ઘાયલ થયો છે. કડાણા પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
નડિયાદ: એસટી બસ નીચે આવતાં યુવકનું મોત
ખેડા જિલ્લાના નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર પાસે એસટી બસ નીચે બાઇક સવાર આવી જતાં નડિયાદના હેમીલ પંડ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું. હેમીલ પંડ્યા નડિયાદમાં આવેલ મારુતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઇઝર તરીકે કામ કરતો હતો અને બાઇક લઈને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ એસટી ડ્રાઇવર અને કંડક્ટર બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ બસ નડિયાદથી ચકલાસી અને વિદ્યાનગર તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
સુરત: સચીન GIDCમાં કારે ટેમ્પોને ટક્કર મારી, ત્રણ ઘાયલ
સુરતના સચીન GIDC વિસ્તારમાં હોજીવાલા રોડ નંબર 11 પર બોરાના કંપની પાસે ચાર રસ્તા નજીક પૂરઝડપે આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હતી. ફરિયાદ મુજબ, GJ-05-RM-7362 નંબરની સફેદ હ્યુન્ડાઇ અલ્કાઝાર કારના અજાણ્યા ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને GJ-05-CW-6834 નંબરના સુપર કેરી ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અર્જુન નામના યુવકને માથા સહિત શરીરના અન્ય ભાગે ઇજાઓ થઈ હતી, જ્યારે ફરિયાદી પ્રદીપ ભરવાડ તથા તેમના મિત્ર વિપુલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ટક્કરના કારણે ટેમ્પોને પણ ભારે નુકસાન થયું હતું. આ મામલે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.