સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં રોડ અકસ્માતોમાં 27%નો વધારો, દરરોજ 600 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં રોડ અકસ્માતોમાં 27%નો વધારો, દરરોજ 600 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ: ગુજરાતમાં રોડ અકસ્માતોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 1.45 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 27 ટકા વધુ છે.

ઉપલબ્ધ આંકડા અનુસાર, ગત વર્ષે આ સમયગાળામાં 1.14 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો આ જ ગતિ ચાલુ રહે તો વર્ષના અંત સુધીમાં આ આંકડો 2.19 લાખ સુધી પહોંચી શકે છે.

રાજ્યમાં સૌથી વધુ અકસ્માતના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં આ વર્ષે 21,995 કેસ નોંધાયા છે, જે ગત વર્ષના 18,541 કરતાં 18.63 ટકા વધુ છે. અમદાવાદ શહેરમાં દરરોજ સરેરાશ 90 લોકો અકસ્માતમાં ઘવાય છે અને ઈમરજન્સી સેવા 108ની મદદ લે છે.

અકસ્માતના કેસોમાં સુરત 14,503 કેસ સાથે બીજા ક્રમે છે, ત્યારબાદ વડોદરા (8,883), રાજકોટ (7,145) અને વલસાડ (5,113)નો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 65.52 ટકાનો વધારો નોંધાયો છે, જે ગત વર્ષના 986 કેસની સરખામણીએ આ વર્ષે 1,632 કેસ થયા છે.

નિષ્ણાતોના મતે, મોટાભાગના અકસ્માતોમાં ઓવરસ્પીડ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ મુખ્ય કારણ છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024માં 1,65,065 કેસ, વર્ષ 2025માં 1,78,975 અને વર્ષ 2026માં (ઓગસ્ટ સુધી) 1,45,240 કેસ નોંધાયા છે.