ગુજરાતમાં બુધવારે અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ચાર ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ, અમરેલી, ગાંધીધામ અને જામનગર-રાજકોટ હાઈવે પર આ ઘટનાઓ બની છે. જેમાં એક મહિલા અને પિતા-પુત્રીના મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદ: નારણપુરામાં AMTS બસે બાઇકચાલકને અડફેટે લીધો
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સહજાનંદ ચોક પાસે રૂટ નંબર 160ની AMTS બસે એક બાઇકચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ બસ હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. તે જ દિવસે પલ્લવ ચાર રસ્તા નજીક પણ AMTS બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે.
અમરેલી: સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં મહિલાનું મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સકરાવા ગામમાં ખેતરમાં વીજળી પડતાં માધીબેન મકવાણાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ગાંધીધામ: રેલવે સ્ટેશન બહાર ટ્રકની અડફેટે એક્ટિવા સવાર પિતા-પુત્રીનાં મોત
ગાંધીધામમાં રેલવે સ્ટેશનની બહાર ટ્રકની અડફેટે એક્ટિવા પર સવાર પિતા અને પુત્રીનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર અને તેમની ગતિ અંગે સ્થાનિક સ્તરે સવાલો ઊઠ્યા છે. બેફામ દોડતાં ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ થઈ રહી છે.
જામનગર-રાજકોટ હાઈવે: કારચાલકે વૃદ્ધાને ટક્કર મારી, ફરાર
જામનગર-રાજકોટ હાઈવે પર રસ્તો ક્રોસ કરી રહેલી એક વૃદ્ધાને કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વૃદ્ધાને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પામેલી વૃદ્ધાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.