ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં 7 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓ ડાંગ, બનાસકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લામાં બની છે. પંચમહાલના બાહી ગામે તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ડાંગ: આહવા-વઘઈ માર્ગ પર શનિવારે (10 ઑક્ટોબર) વહેલી સવારે ઝડપથી જઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર રસ્તા પરની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ લઈ જવાયા છે.
બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ઘાટા કપાસિયા રોડ પર બાઇક અને કાર વચ્ચે ગંભીર ટક્કરમાં બાઇક પર સવાર બે લોકોના મોત નીપજ્યા છે. બાઇકને જોરદાર ટક્કર મારનાર કારચાલકની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર: શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં ઇદ્રસપીરની દરગાહ પાસે 9 ઑક્ટોબરની રાત્રે થાર ગાડીએ કારને ટક્કર મારતાં કાર ખાનગી બસ સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારમાં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સરકારી જી.જી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
સુરેન્દ્રનગર: સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 9 ઑક્ટોબરની મોડી રાત્રે મોર્ડન સ્કૂલ નજીક બાયડ ગામના સુરેશ સોલંકી તેમના મિત્ર સાથે ચોટીલા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સુરેશ સોલંકીનું મોત નીપજ્યું છે અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સાયલા સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા: ભોગાત ગામ તરફથી દ્વારકા જતા સમયે ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક બાઇકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તે ડિવાઇડર સાથે અથડાયો હતો. આ બનાવમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
પંચમહાલ: શહેરા તાલુકાના બાહી ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગામના તળાવમાં મૃતદેહ તરતો દેખાતાં સ્થાનિકોએ સરપંચને જાણ કરી હતી અને બાદમાં પોલીસને માહિતગાર કરવામાં આવ્યા હતા. શહેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.