ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. 2025માં 18,292 અકસ્માતો નોંધાયા હતા, જેમાં 8,402 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેની સામે, 2026ના પ્રથમ 7 મહિનામાં જ 16,112 અકસ્માતો થયા, જેમાં 4,763 મૃત્યુ અને 19,835 લોકો ઘાયલ થયા. ઘાયલોની સંખ્યામાં 105% અને માસિક સરેરાશ અકસ્માતોમાં 51% વધારો નોંધાયો છે.
દર વર્ષે 15 નવેમ્બરને ‘વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાપ્ત આંકડા અનુસાર, વર્ષ 2025માં ગુજરાતમાં કુલ 18,292 માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 8,402 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 18,813 લોકો ઘાયલ થયા હતા. તેની સામે 1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2026 સુધીના માત્ર 7 મહિનામાં જ 16,112 માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 4,763 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘાયલોની સંખ્યા 19,835 થઈ હતી.
આમ, વર્ષ 2025ના આખા વર્ષના અકસ્માતોની સરખામણીએ 2026ના પ્રથમ સાત મહિનામાં જ અકસ્માતોનો આંકડો 88.1 ટકા સુધી પહોંચી ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘાયલોની સંખ્યા ગયા આખા વર્ષ કરતાં 1,022 વધુ નોંધાઈ હતી, એટલે કે ઘાયલોના આંકડામાં 105.4 ટકાનો વધારો થયો હતો. જ્યારે મૃત્યુઆંક ગયા વર્ષના કુલ મૃત્યુના 56.8 ટકા જેટલો નોંધાયો હતો.
માસિક સરેરાશની સરખામણી કરીએ તો વર્ષ 2025માં દર મહિને સરેરાશ 1,524 માર્ગ અકસ્માતો નોંધાતા હતા, જે 2026માં વધીને 2,302 થયા હતા. આ રીતે માસિક સરેરાશમાં આશરે 51 ટકાનો વધારો નોંધાયો છે. અકસ્માતોમાં ઘાયલ થનારાઓની માસિક સરેરાશ પણ વર્ષ 2025ના 1,568થી વધીને 2026માં 2,834 થઈ છે, જે 80.7 ટકાનો વધારો દર્શાવે છે.
રાહદારીઓ સાથે થયેલા અકસ્માતોમાં વર્ષ 2025માં 2,100 મોત અને 2,570 ઘાયલ થયા હતા, જ્યારે 2026માં (7 મહિનામાં) 1,077 મોત અને 2,223 ઘાયલ થયા છે.