સત્ય. સાહસ. સંકલ્પ.

રાજ્યભરમાં 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની હડતાળ: સુરતમાં PG પ્રવેશ અટક્યા, રાજકોટ-વડોદરામાં પણ અસર

રાજ્યભરમાં 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની હડતાળ: સુરતમાં PG પ્રવેશ અટક્યા, રાજકોટ-વડોદરામાં પણ અસર

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાન પર આજથી સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના ઉકેલ માટે મહામંડળે આંદોલનની જાહેરાત કરી હતી. માસ સી.એલ. સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, છતાં સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.

હડતાળના કારણે સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા હતા. રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.

મહામંડળની મુખ્ય માંગણીઓમાં કર્મચારીઓ પર થતી હેરાનગતિ બંધ કરવી, બિનજરૂરી સસ્પેન્શન રદ કરવા અને સેવા વિષયક પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. સરકાર સાથે વાતચીત થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવી ચેતવણી મહામંડળે આપી છે.