ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નોને લઈને ચલાવવામાં આવી રહેલા આંદોલનનો સોમવારે સુખદ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકાર સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં સમજૂતી સધાતાં મહામંડળે આંદોલન મૌકૂફ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી શરૂ થતાં અરજદારોની હાલાકીનો અંત આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ નીતિગત મુદ્દાઓની સાથે ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો અને સરકારી કર્મચારીઓના આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનના સંદર્ભમાં કેબિનેટમાં આભાર પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો.
ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર સહિતના પ્રતિનિધિમંડળ વચ્ચે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો સાંભળી તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી તેના નિરાકરણ માટે મહામંડળને સંપૂર્ણ ખાતરી આપી છે.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાના હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો પૂર્ણ કરી છે. સામાન્ય નાગરિકોને કામકાજમાં હાલાકી ન ભોગવવી પડે તે બાબતને ધ્યાને રાખી મહામંડળે પણ ઉદાર વલણ દાખવીને આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર તરફથી મળેલી હકારાત્મક બાંહેધરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ આંદોલન મૌકૂફ રાખવાની જાહેરાત કરે છે.
આ બેઠકમાં રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં પીવાના પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ વાવેતરની સ્થિતિ તથા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વિવિધ માગણીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગણીના સંદર્ભમાં સ્થિતિની સમીક્ષા કરવાનો મુદ્દો પણ મહત્ત્વનો રહ્યો હતો.