ગુજરાતમાં મહેસૂલ વિભાગના 10 હજારથી વધુ ક્લાસ-3 કર્મચારીઓએ પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતની 14 માંગણીઓ મુદ્દે સોમવારે (5 ઓક્ટોબર) માસ સીએલ પર ઉતરીને હડતાલ શરૂ કરી છે. આ હડતાલમાં રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો મોટી સંખ્યામાં જોડાયા છે.
અમદાવાદ જિલ્લામાં 450થી વધુ કર્મચારીઓ, વડોદરામાં 350થી વધુ, રાજકોટમાં 450 અને સુરતમાં 500થી વધુ મહેસૂલી કર્મચારીઓએ હડતાલમાં ભાગ લીધો છે. હડતાળને કારણે સરકારી ઓફિસોમાં ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે અને અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે.સી. સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી 14 માંગણીઓ અંગે સરકાર સાથે ચર્ચા થઈ હતી અને 30 દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ એક પણ માંગણી સ્વીકારવામાં ન આવતાં હડતાલ પર ઉતરવું પડ્યું છે.
વડોદરા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, મહામંડળે 1 ઓક્ટોબરે આદેશ જારી કરીને વિરોધ કાર્યક્રમો નક્કી કર્યા હતા. તેના ભાગરૂપે 5 ઓક્ટોબરે માસ સીએલ કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરાના વર્ગ-3ના નાયબ મામલતદાર સહિત તમામ કર્મચારીઓએ 100% હાજરી આપી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થશે.
સુરતમાં નાયબ મામલતદાર કરણસિંહ પરમારે જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે વારંવાર સરકારમાં અને વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ આવ્યું નથી. આથી સુરત સહિત સમગ્ર રાજ્યના કર્મચારીઓ આજે માસ સીએલ પર છે. સુરતમાં 400થી વધુ કર્મચારીઓએ સરકારી વોટ્સએપ ગ્રુપ્સમાંથી લેફ્ટ થઈને અસંતોષ વ્યક્ત કર્યો છે.
રાજકોટમાં મહેસૂલી કર્મચારી મહામંડળના મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 450 રેવન્યુ અધિકારીઓ અને કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.
હડતાળને કારણે કલેક્ટર અને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ અને નોન-ક્રીમીલેયરના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલ સંબંધિત કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. દૂર-દૂરથી આવેલા અરજદારોને કામ કર્યા વિના જ પરત ફરવું પડી રહ્યું છે. મકાન ટ્રાન્સફરના કામ માટે આવેલા અરજદારોને પણ અટવાવું પડ્યું છે.
કર્મચારીઓની આ હડતાલ અને અસહકારને કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકોમાં રોષ વધતાં સરકાર આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવે તેવી માગ પ્રબળ બની છે.