સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ 5 ઓક્ટોબરથી, વકીલો પણ આંદોલનમાં

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ 5 ઓક્ટોબરથી, વકીલો પણ આંદોલનમાં

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ માટે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. મહેસૂલી કર્મચારી મહામંડળે આગામી 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી હડતાળ યોજવાનો નિર્ણય લીધો છે.

હડતાળ કમિટીના પ્રમુખ અને મહેસૂલ કર્મચારી મહામંડળના અગ્રણી જસવંતસિંહ ડાભીએ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ જણાવી હતી. તેમણે કહ્યું કે મહેસૂલી કર્મચારીઓના જોબ ચાર્ટમાંથી અન્ય વિભાગોની વધારાની કામગીરી દૂર કરવી જોઈએ. સાથે જ સીધી ભરતીના નાયબ મામલતદારોની સિનિયોરિટી વહેલી તકે નક્કી કરીને તેમને મામલતદાર તરીકે બઢતી આપવી જોઈએ.

બઢતી સમયે દૂરના જિલ્લાઓમાં તૈનાત કર્મચારીઓને તેમના મૂળ જિલ્લામાં પાછા મોકલવા અને જિલ્લા ફેરબદલી માટે ચાલતી એનઓસી પ્રથા નાબૂદ કરી સંપૂર્ણ ઓનલાઈન તથા પારદર્શક પ્રક્રિયા લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઉપરાંત નાયબ મામલતદાર અને મામલતદાર કેડરમાં સીધી ભરતી બંધ કરવાની રજૂઆત પણ કરાઈ છે.

આંદોલનના ભાગરૂપે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ચૂક્યા છે. જૂનાગઢના માંગરોળ ખાતે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને સખત વિરોધ નોંધાવ્યો હતો. સરકારે વહેલી તકે સકારાત્મક નિર્ણય ન લીધો તો આગામી ત્રણ દિવસ દરમિયાન સરકારી કામગીરી ઠપ્પ થવાની અને અરજદારોને મુશ્કેલી પડવાની શક્યતા છે.

બીજી તરફ, રાજ્ય સરકારના નવા ભાડા વિધેયકના વિરોધમાં ગુજરાતના વકીલો પણ આક્રમક બન્યા છે. વકીલોએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ લડતને ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત બાર એસોસિએશને પૂરું સમર્થન આપ્યું છે.

ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ પી.ડી. પટેલે જણાવ્યું કે હાલ રાજ્યની 90 ટકા કોર્ટમાં હડતાળ ચાલી રહી છે અને હવે 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા રહીને આ કાયદાનો વિરોધ કરશે. સરકાર વિધેયક પાછું ન ખેંચે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે. હડતાળ દરમિયાન રાજ્યના તમામ વકીલ મંડળો કોર્ટ પરિસરની બહાર વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજશે.