ગુજરાતમાં મહેસૂલ વિભાગના વર્ગ-૩ના હજારો કર્મચારીઓ ૧૪ પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને રેવન્યુ કારકુન સહિતની કેડરના કર્મચારીઓની આ રાજ્યવ્યાપી હડતાળથી સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વર્ષ ૨૦૧૨થી પેન્ડિંગ નાયબ મામલતદારોના પ્રમોશન, રેવન્યુ તલાટીઓ પરનું કામનું ભારણ ઘટાડવું અને અન્યાયી બદલીઓ રદ કરવા જેવી બાબતો સામેલ છે. અગાઉ માસ સી.એલ. પર ઉતરીને સરકારને અલ્ટીમેટમ આપવા છતાં સંતોષકારક ઉકેલ ન આવતાં કર્મચારી મંડળે રાજ્યવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
અમરેલીમાં કલેક્ટર કચેરી બહાર મહેસૂલી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજ્યું છે. છોટાઉદેપુર અને નસવાડીમાં જિલ્લા સેવાસદન ખાતે આશરે ૩૦૦ જેટલા કર્મચારીઓ હાથમાં પ્લે કાર્ડ સાથે હડતાળ પર બેઠા છે. નસવાડી તાલુકા સેવાસદનના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતાં આદિવાસી વિસ્તારના ૨૧૨ જેટલા ગામોના અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પણ રેવન્યુ કર્મચારીઓએ કચેરી કામકાજનો સંપૂર્ણ બહિષ્કાર કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો છે.
અચોક્કસ મુદતની આ હડતાળના કારણે સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે, જેના કારણે કચેરીઓએ આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
કર્મચારી મંડળના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની ૧૪ ન્યાયિક માંગણીઓનું સંતોષકારક અને કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આ રાજ્યવ્યાપી હડતાળ યથાવત રહેશે. બીજી તરફ, સરકાર તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.