નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નોને લઈને 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' ચલાવી રહ્યું હતું તે આંદોલન આખરે પૂરું થયું છે. રાજ્ય સરકાર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાયા બાદ મહામંડળે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિમંડળ વચ્ચે સાનુકૂળ વાતાવરણમાં દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.
બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. સરકારે બધી વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવીને તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ દાખવીને આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરી બાદ મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, સરકાર સાથેની બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપવામાં આવી છે. આથી અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ અને મુખ્યમંત્રી, મંત્રીઓ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.