ગાંધીનગરમાં સરકાર અને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ મહામંડળે રાજ્યવ્યાપી આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ ઝડપથી ઉકેલવાની ખાતરી આપતાં લાખો અરજદારો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ દ્વિપક્ષીય બેઠકમાં પ્રવક્તા મંત્રી, મહેસૂલ રાજ્ય મંત્રી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા. મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિમંડળે પડતર માંગણીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.
બેઠક બાદ માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે સરકારે કર્મચારીઓના પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અપનાવી તમામ વ્યાજબી માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી છે. મહેસૂલ રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી આ વાટાઘાટો યોજવામાં આવી હતી.
સરકાર તરફથી મળેલી ખાતરી બાદ મહામંડળના પ્રમુખે આંદોલન મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી બાંહેધરી આપવામાં આવી હોવાથી આંદોલન સમેટી લેવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં સરકારી કામગીરી પુનઃ પૂર્વવત થઈ જશે.