સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 10,000થી વધુ મહેસૂલ કર્મચારીઓની હડતાળ, કચેરીઓમાં કામકાજ ઠપ્પ

ગુજરાતમાં 10,000થી વધુ મહેસૂલ કર્મચારીઓની હડતાળ, કચેરીઓમાં કામકાજ ઠપ્પ

ગુજરાતમાં પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતની 14 માંગણીઓ ન સંતોષાતાં સોમવારે (પાંચમી ઑક્ટોબર) રાજ્યભરના 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરી ગયા હતા. રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો આ આંદોલનમાં જોડાયા છે. જેમાં અમદાવાદ જિલ્લાના આશરે 450 કર્મચારીઓ પણ સામેલ છે.

કર્મચારીઓની આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં વહીવટી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. કલેક્ટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રોમાં મકાન ટ્રાન્સફર, જમીનને લગતી કામગીરી કે દાખલા-પ્રમાણપત્રો મેળવવા માટે દૂર-દૂરથી આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે. સી. સોલંકીએ જણાવ્યું હતું કે, 'અમારી 14 માંગણીઓ અંગે અગાઉ સરકારે ચર્ચા કરીને 30 દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. પરંતુ એક પણ માંગણીનો ઉકેલ ન આવતાં અમારે આ પગલું ભરવું પડ્યું છે. જો સરકાર દ્વારા આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સાતમી ઑક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવામાં આવશે.'

મહેસૂલી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટીના જોબ ચાર્જમાં રહેલી વિસંગતતા દૂર કરવી, પૂરતું મહેકમ ફાળવી યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી, 2015માં પ્રમોશન આપીને અન્ય જિલ્લામાં મૂકાયેલા ક્લાર્કને મૂળ જિલ્લામાં પરત લાવવા, 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને 'ડીમ્ડ ડેટ'નો લાભ આપવો તેમજ 2025માં તૈયાર કરાયેલી સિનિયોરિટી લિસ્ટ ફાઇનલ કરવાનો સમાવેશ થાય છે.

જમીનના કામ માટે આવેલા એક અરજદારે જણાવ્યું કે, 'અમને આજની જ તારીખ આપવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી ઑફિસમાં રાહ જોયા બાદ અંતે કોઈ કર્મચારી હાજર ન હોવાથી અમારે કામ થયા વિના જ નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે.'

આ હડતાળના કારણે અરજદારોનો સમય અને પૈસા બંને બગડ્યા છે. રાજ્યભરમાં મહેસૂલી કામગીરી ઠપ્પ થઈ જવાથી લોકોને ભારે અસુવિધા થઈ રહી છે.