સત્ય. સાહસ. સંકલ્પ.

મહેસૂલ વિભાગના કર્મચારીઓ આજે સામૂહિક રજા પર, 7 ઓક્ટોબરથી હડતાળની ચેતવણી

મહેસૂલ વિભાગના કર્મચારીઓ આજે સામૂહિક રજા પર, 7 ઓક્ટોબરથી હડતાળની ચેતવણી

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ બઢતી-બદલી અને જોબ ચાર્ટ સહિતના 14 પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. મહેસૂલ કર્મચારી મહામંડળના જણાવ્યા અનુસાર, સોમવારે (5 ઓક્ટોબર) કર્મચારીઓ સામૂહિક રજા (માસ સીએલ) પર જશે. જો સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ ન મળે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કારકૂનોના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સમક્ષ 38 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી નથી, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે.

બીજી તરફ, કર્મચારીઓના આંદોલનને પગલે સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. મહેસૂલ વિભાગે માસ સીએલની જાહેરાતને ગંભીરતાથી લીધી છે અને જિલ્લા કલેક્ટરોને તાકીદની સૂચના આપી છે કે સોમવારે મહેસૂલી કર્મચારીઓ નિયમિત હાજર રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે આદેશ કર્યો છે કે માસ સીએલ પર જનારા કર્મચારીઓ સામે 'સર્વિસ બ્રેક' સહિતની કડક વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, કર્મચારીઓ સરકારની ચેતવણી વચ્ચે પણ માસ સીએલ પર ઉતરવા અડગ છે. તેમનું કહેવું છે કે અગાઉથી રજા માટેના રિપોર્ટ આપી દેવાયા છે.

આ આંદોલનના કારણે રાજ્યભરની મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની મહેસૂલી કામગીરી ખોરવાઈ જવાની સંભાવના છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જમીનને લગતા કામો, વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજ પ્રક્રિયાઓ અટકી પડતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર મધ્યસ્થી કરીને કોઈ રસ્તો કાઢે છે કે આ વિવાદ વધુ ઉગ્ર બને છે.