સત્ય. સાહસ. સંકલ્પ.

અલ નીનોની અસર: ગુજરાતમાં વરસાદ ઓછો, જળાશયોમાં પાણી ઘટ્યું, સરદાર સરોવર એકમાત્ર આશ

અલ નીનોની અસર: ગુજરાતમાં વરસાદ ઓછો, જળાશયોમાં પાણી ઘટ્યું, સરદાર સરોવર એકમાત્ર આશ

ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે જળાશયોમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. અલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેતાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ 5,181.37 એમસીએમ પાણીનો ઘટાડો થયો છે. જોકે, સરદાર સરોવર ડેમમાં પૂરતો જળસંગ્રહ હોવો રાજ્ય માટે રાહતરૂપ છે.

નવેમ્બર 2025માં રાજ્યના 206 જળાશયોમાં 15,284.37 એમસીએમ પાણી હતું, જે આ વખતે ઘટીને 10,103 એમસીએમ થયું છે. મુખ્ય 17 જળાશયોમાં પણ પાણીનો જથ્થો 12,783.78 એમસીએમથી ઘટીને 8,840.65 એમસીએમ થયો છે, એટલે કે 3,943.13 એમસીએમનો ઘટાડો થયો છે.

રાજ્યમાં આ વર્ષે 811.96 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 89.34 ટકા છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં 1,061.80 મિમી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશના 119.13 ટકા હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે 249.84 મિમી ઓછો વરસાદ થયો છે અને ટકાવારીમાં 29.79 ટકાનો ઘટાડો થયો છે.

સરદાર સરોવર ડેમમાં આ વખતે પાણીનો જથ્થો ગત વર્ષ કરતાં વધુ છે. નવેમ્બર 2025માં ડેમમાં 9,369.82 એમસીએમ પાણી હતું, જે આ વખતે વધીને 9,440.68 એમસીએમ થયું છે. એટલે કે 70.86 એમસીએમ વધુ પાણીનો સંગ્રહ થયો છે. અન્ય જળાશયોમાં પાણી ઘટ્યું હોવા છતાં સરદાર સરોવરની સ્થિતિ રાહતજનક છે.

મુખ્ય જળાશયોમાં નવેમ્બર 2025ની સરખામણીએ આ વર્ષે પાણીની સ્થિતિ નબળી બની છે. ઉકાઈ ડેમમાં 7,392.92 એમસીએમથી ઘટીને 5,376.54 એમસીએમ, કડાણામાં 1,249.30થી ઘટીને 793.71 એમસીએમ, દમણ ગંગામાં 524.86થી ઘટીને 503.4 એમસીએમ, કરજણમાં 537.57થી ઘટીને 476.90 એમસીએમ, પાનમમાં 578.18થી ઘટીને 321.38 એમસીએમ, સુખીમાં 171.56થી ઘટીને 145.70 એમસીએમ, ધરોઈમાં 812.9થી ઘટીને 406.33 એમસીએમ, હાથમતીમાં 152.84થી ઘટીને 72.87 એમસીએમ, વાત્રકમાં 158.20થી ઘટીને 101.21 એમસીએમ, દાંતીવાડામાં 381.60થી ઘટીને 89.96 એમસીએમ, શેત્રુંજીમાં 346.48થી ઘટીને 337.61 એમસીએમ અને ભાદરમાં 188.14થી ઘટીને 31.33 એમસીએમ પાણી રહ્યું છે.

જળાશયોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં 151 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 35 થયું છે. જ્યારે 70 ટકાથી ઓછું પાણી ધરાવતા જળાશયોની સંખ્યા 30થી વધીને 147 થઈ છે. આ આંકડા ચિંતાજનક છે.

આજવા સરોવરમાં જળસ્તર નીચું રહેતાં અત્યારથી ફેબ્રુઆરી જેવી સ્થિતિ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સરોવરની સપાટી 212.95 ફૂટે પહોંચી હતી અને 62 દરવાજા ખોલવા પડ્યા હતા. આ વર્ષે ઓછા વરસાદને કારણે સપાટી ભયજનક સ્તરે પહોંચી નથી અને ફેબ્રુઆરીમાં જોવા મળતી સપાટી અત્યારે જ જોવા મળી રહી છે.