ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પરત ખેંચતાં અમદાવાદના વકીલોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બુધવારે (૭ ઓક્ટોબર) મળેલી તાત્કાલિક જનરલ બેઠકમાં અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખ જગત ચોકસી અને સ્મોલ કોઝ બારના પ્રમુખ જયશંકર પ્રજાપતિને બરતરફ કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિનોદ દીક્ષિતને અમદાવાદ બારના કાર્યકારી પ્રમુખ અને સી.એમ. વિરમગામીને સ્મોલ કોઝ બારના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વાર પ્રમુખોને બરતરફ કરવાની ઘટના બની છે, જેણે રાજ્યભરના વકીલોમાં ચર્ચા જગાવી છે. બેઠકમાં હાજર વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો અને ૧૦ ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદ બારના નવા કાર્યકારી પ્રમુખ વિનોદ દીક્ષિતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ રાજ્યના ૨૮૦ બાર એસોસિયેશનના વકીલોની સલાહ લીધા વગર ભાડા વિધેયક-૨૦૨૬નો નવો કાયદો બનાવ્યો છે. આ કાયદો ચલાવવાની સત્તા ન્યાયતંત્ર પાસેથી લઈને વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી છે, જેનાથી વકીલોમાં અસંતોષ ફેલાયો હતો અને તેઓ છ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા.
વકીલોના આ ઉગ્ર આંદોલન સામે રાજ્ય સરકારે મંગળવારે (૬ ઓક્ટોબર) મોડી સાંજે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદ બારના પ્રમુખ, સેક્રેટરી અને સ્મોલ કોઝ કોર્ટ બારના પ્રમુખ અને સેક્રેટરી સહિત બાર કાઉન્સિલના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સરકારે ૧૫ દિવસમાં કાયદામાં સુધારો કરી નવો કાયદો બનાવીને તમામ સત્તા ન્યાયતંત્રને આપવાની મૌખિક ખાતરી આપી હતી. જોકે, સરકારે આ અંગે લેખિતમાં કે પ્રેસમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી.
બેઠક પૂરી થયા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, જેને લઈને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટના વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો. વકીલોનું કહેવું છે કે, રાજ્ય સરકારે બાર કાઉન્સિલ સાથે મળીને હડતાળ બંધ કરાવવાનો કારસો રચ્યો હોય તેવું લાગે છે, કારણ કે નવા કાયદા અંગે કોઈ લેખિત આશ્વાસન આપવામાં આવ્યું નથી. બેઠકમાં અમદાવાદ બારના પ્રમુખે હડતાળ પૂરી થઈ ગયાનું જાહેર કરતાં હાજર વકીલોએ જોરદાર હોબાળો કર્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ પર વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. રાજ્યભરના વકીલોનું કહેવું છે કે, ન્યાયતંત્રની સત્તા છીનવાઈ ન જાય તે માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડત ચાલુ રાખશે. હાલમાં હડતાળ યથાવત્ છે અને વકીલો ૧૦ ઓક્ટોબર સુધી કોર્ટની કામગીરી બંધ રાખવાના નિર્ણય પર અટલ છે.