સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત ભાડા બિલ-2026 વિરોધ: 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, બાર કાઉન્સિલનું ખુલ્લું સમર્થન

ગુજરાત ભાડા બિલ-2026 વિરોધ: 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, બાર કાઉન્સિલનું ખુલ્લું સમર્થન

ગુજરાત સરકારે પસાર કરેલા ભાડા બિલ-2026 સામે રાજ્યભરના વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. અમદાવાદ સહિત રાજ્યની મોટાભાગની કોર્ટોમાં વકીલો છેલ્લા ત્રણ દિવસથી કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરીને હડતાળ પર છે. હવે ગુજરાત બાર કાઉન્સિલે પણ આ લડતને ખુલ્લું સમર્થન આપ્યું છે.

બાર કાઉન્સિલે તાકીદની વર્ચ્યુઅલ બેઠક યોજીને ભાડા વિધેયકના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું કે, 5 ઓક્ટોબર (સોમવાર)થી રાજ્યભરમાં વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આ સમયગાળા દરમિયાન વકીલો કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તામંડળ તથા રેવન્યુ કચેરીના કામકાજથી દૂર રહેશે અને કોર્ટ પરિસરની બહાર જ ઉગ્ર દેખાવો અને કાર્યક્રમો યોજશે.

બાર કાઉન્સિલે વકીલોને અપીલ કરી છે કે, જ્યાં સુધી પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ ન આવે ત્યાં સુધી વકીલમંડળોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં વકીલોને એકત્ર કરીને શક્તિશાળી વિરોધ પ્રદર્શન કરે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં વકીલોએ આજે પણ કોર્ટ કામગીરીનો બહિષ્કાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. જિલ્લા અને તાલુકા મથકોની કોર્ટો ખાતે કેટલીક જગ્યાએ વકીલોએ શેતરંજી પાથરીને ધરણાં યોજ્યાં હતાં, તો ક્યાંક બેનરો સાથે દેખાવો, સૂત્રોચ્ચાર અને તાળાબંધી કરવામાં આવી હતી. વકીલોની બાઇક રેલીને પોલીસે આજે મંજૂરી ન આપતાં હવે 5 ઓક્ટોબરે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું છે, જેમાં સેંકડો વકીલો જોડાવાની શક્યતા છે.

વકીલોની મુખ્ય માંગણીઓ

  • સરકારે ભાડા બિલ-2026 તાત્કાલિક અસરથી પાછું ખેંચવું જોઈએ.
  • મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદોની સુનાવણી અને ચુકાદો આપવાની સત્તા ફક્ત ન્યાયતંત્ર (કોર્ટ) પાસે જ રહેવી જોઈએ, વહીવટી કે સરકારી અધિકારીઓ પાસે નહીં.

આ વિધેયક હેઠળ મિલકત તકરાર અને ભાડા સંબંધિત કેસોની સત્તા સિવિલ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટ પાસેથી લઈને વહીવટી તંત્રને આપવામાં આવી છે, તે જોગવાઈમાં સુધારો કરીને ન્યાયિક સત્તામંડળને તેની સત્તા પરત આપવાની માંગ પણ વકીલો કરી રહ્યા છે.

સોમવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની પણ મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં એસોસિયેશન ભાડા વિધેયક વિરોધી લડતને સમર્થન આપે અને હડતાળમાં જોડાય તેવી શક્યતા છે.

બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને કાયદામંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં ભાડા બિલ સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાની અને ન્યાયિક સત્તા પરત આપવાની ગંભીર રજૂઆત કરવામાં આવશે. બાર કાઉન્સિલે સરકારને ચેતવણી આપી છે કે, વકીલોની માંગણીનું સુખદ નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરમાં વિરોધ અને અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.