ગુજરાત ભાડા વિધેયક-2026 ના વિરોધમાં રાજ્યભરના વકીલો છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અસાધારણ સભા બોલાવી હતી, જેમાં 5 ઓક્ટોબર, સોમવારથી રાજ્યની તમામ અદાલતોમાં અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વકીલો કોર્ટ પરિસરની બહાર પ્રદર્શન પણ કરશે.
બાર કાઉન્સિલે રાજ્ય સરકારને આ વિધેયક તાત્કાલિક પાછું ખેંચવા અને ન્યાયતંત્રને સંબંધિત સત્તા આપવાની માંગ કરી છે. બાર કાઉન્સિલનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળીને આવેદનપત્ર આપશે.
આ વિધેયકને લીધે વકીલો, પક્ષકારો અને સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે. બાર કાઉન્સિલ દ્વારા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પુરાવા લેવા અને તેનું મૂલ્યાંકન, નાના દાવાઓના ન્યાયાધીશો પાસે તકરારનો ઉકેલ, અને વહીવટી સત્તાધિકારીઓ દ્વારા વિવાદોના નિરાકરણના ફાયદા-ગેરફાયદા જેવા મુદ્દાઓ સામેલ છે.
અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સ્મોલ કોઝ કોર્ટ બારના વકીલો સોમવારે (5 ઓક્ટોબર) બાઇક રેલી કાઢીને મેટ્રો કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જશે. ત્યારબાદ તેઓ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમા ખાતે જશે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ અને હડતાળને કારણે રાજ્યભરની અદાલતોમાં કાનૂની કાર્યવાહી ઠપ થઈ ગઈ છે, જેનાથી હજારો કેસોમાં મુદત પડવાની અસર થઈ છે.