સત્ય. સાહસ. સંકલ્પ.

ભાડા વિધેયક વિરોધ: સુરત-વડોદરામાં વકીલોની હડતાળ, કોર્ટનું કામકાજ ઠપ્પ

ભાડા વિધેયક વિરોધ: સુરત-વડોદરામાં વકીલોની હડતાળ, કોર્ટનું કામકાજ ઠપ્પ

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ ના વિરોધમાં રાજ્યભરના વકીલોએ હડતાળ પાડી છે. સુરત અને વડોદરામાં વકીલોએ કોર્ટની તમામ કાર્યવાહીથી અલગ રહીને વિરોધ નોંધાવ્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળે ૩ ઓક્ટોબર સુધી સળંગ ચાર દિવસ કોર્ટનું કામકાજ ઠપ્પ રાખવાનો નિર્ણય લીધો છે.

આજે સવારે કોર્ટ ખુલતાં જ વકીલોએ કોર્ટ બિલ્ડિંગનું મુખ્ય ગેટ બંધ કરી દીધું હતું, જેના કારણે કેસના કામકાજ માટે આવેલા પક્ષકારો અટવાઈ ગયા હતા. જોકે, વકીલોએ તેમને બાર એસોસિએશનના ઠરાવ અને વિરોધના મુદ્દાઓ સમજાવીને શાંતિપૂર્ણ રીતે ગેટ પરથી જ પરત મોકલ્યા હતા.

વડોદરામાં પણ વકીલોએ કોર્ટના ગેટ પરથી જ કામ અર્થે આવેલા લોકોને પરત ફેરવ્યા હતા. વડોદરાના વકીલોએ આ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. વકીલ મંડળે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરી છે કે, નવી વ્યવસ્થાથી મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર વધવાની આશંકા છે. જો સરકાર તેમની માંગણીઓનો ઉકેલ નહીં લાવે, તો રાજ્યભરના અન્ય વકીલ મંડળોને સાથે રાખીને અચોક્કસ મુદતની હડતાળ અને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે જણાવ્યું કે, આ ભાડા વિધેયક-૨૦૨૬ લાવવાથી જ્યુડિશિયલ ઓથોરિટીની સત્તાઓ એક્ઝિક્યુટિવ ઓથોરિટીને આપવામાં આવી છે. વિશિષ્ટ ન્યાયતંત્રનો આ એક સ્તંભ છે, જેની અંદર જ્યુડિશિયલ ઓથોરિટી અને જ્યુડિશિયરી પાયો છે. એ પાયાને હચમચાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવેલો છે.

વકીલોએ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ ભાડા કરાર કે વિવાદ લઈને કોર્ટમાં આવે ત્યારે ભાડા કરાર કે ચિઠ્ઠીઓ સાચી છે કે ખોટી તેનું સીપીસી નિયમો પ્રમાણે યોગ્ય મૂલ્યાંકન થતું હતું. કોર્ટમાં કાયદેસર રીતે પુરાવાઓ લેવામાં આવતા, સાક્ષીઓ અને સાહેદોની ઊંડાણપૂર્વક તપાસ થતી અને ત્યારબાદ જ કોઈ ન્યાયિક નિર્ણય પર પહોંચવામાં આવતું હતું. આ પ્રક્રિયાથી પક્ષકારોને સાચો ન્યાય મળતો હતો.

નવી સ્થિતિ મુજબ ભાડા કરાર કે સોદા ચિઠ્ઠી રજૂ કરવાથી, તેની કાનૂની સત્યતા ચકાસ્યા વિના સીધો નિર્ણય કરી દેવામાં આવશે. માત્ર દસ્તાવેજ રજૂ કરવાથી નિર્ણય લઈ લેવાથી ન્યાયતંત્રનો મૂળ અર્થ સંપૂર્ણપણે નાશ પામશે. વકીલોના મતે, આ કાયદાથી માત્ર વકીલોને જ નુકસાન નથી, પરંતુ સૌથી મોટો ફટકો લિટિગેશન કરનાર વ્યક્તિઓ અને સામાન્ય અસીલોને પડશે. ન્યાયના હિતમાં સુરતના વકીલોએ આ કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.

આ પણ વાંચો: વિધાનસભામાં ૩ સુધારા વિધેયક પસાર, મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, દુકાનો ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.