સત્ય. સાહસ. સંકલ્પ.

ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ, મહેસૂલી કર્મચારીઓની હડતાળની ચેતવણી

ભાડા વિધેયક સામે વકીલોનો વિરોધ, મહેસૂલી કર્મચારીઓની હડતાળની ચેતવણી

ગુજરાત વિધાનસભામાં 11 સપ્ટેમ્બરે ‘ગુજરાત ભાડા વિધેયક–2026’ સર્વાનુમતે પસાર થયું હતું. સરકારે આ કાયદાનો હેતુ મકાનમાલિકો અને ભાડૂઆતો વચ્ચેના વિવાદોનું ઝડપી નિરાકરણ, ભાડા વ્યવસ્થામાં પારદર્શિતા અને જૂના કાયદાના સ્થાને આધુનિક કાનૂની માળખું ઊભું કરવાનો જણાવ્યો હતો.

જોકે 30 સપ્ટેમ્બરથી વિવિધ કોર્ટના વકીલો કામથી અળગા રહી આ વિધેયકનો વિરોધ કરી રહ્યા છે. વકીલોના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયકમાં સિવિલ કોર્ટોની સત્તા અને અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે, જે ન્યાયિક પ્રક્રિયા અને પક્ષકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ભાડા કરાર અને મકાનમાલિક–ભાડૂઆતના વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટની જગ્યાએ અધિકારીઓને સત્તા સોંપવાની જોગવાઈથી ન્યાયની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોવાનો આક્ષેપ વકીલ મંડળોએ કર્યો છે. વકીલોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ભાડા વિધેયકમાં સિવિલ કોર્ટની સત્તા પુનઃસ્થાપિત કરે અથવા આ બિલમાં જરૂરી સુધારા–વધારા કરે. જો વકીલોની રજૂઆતો અને માંગણીઓ પર યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન અને સંપૂર્ણ કામકાજ બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

બીજી તરફ, ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. આ અંતર્ગત આવતીકાલે 5 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરશે અને માગણીઓ ન સ્વીકારાય તો 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી છે.

આજે જૂનાગઢના માંગરોળ અને મહેસાણામાં મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારે એક મહિનામાં 14 પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ મુદત પૂર્ણ થયા બાદ પણ હકારાત્મક નિર્ણય ન આવતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.