સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત ભાડા વિધેયક 2026 પસાર: હવે 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં, લેખિત કરાર ફરજિયાત

ગુજરાત ભાડા વિધેયક 2026 પસાર: હવે 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં, લેખિત કરાર ફરજિયાત

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર થયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. આ કાયદો મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચેના સંબંધોમાં પારદર્શિતા લાવવાનો દાવો કરે છે.

રાજ્યમાં અત્યાર સુધી 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947' અમલમાં હતો. હવે તેનું સ્થાન આ નવો કાયદો લેશે. શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે જૂના કાયદાની કાનૂની ગૂંચવણો દૂર કરીને આધુનિક જરૂરિયાતો મુજબ નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા વધશે. વિધાનસભામાં આ વિધેયક કોઈ પણ વિરોધ વિના પસાર થયું હતું.

વિધેયકની મુખ્ય જોગવાઈઓ

લેખિત કરાર અને યુનિક ID: હવેથી રહેણાંક કે વાણિજ્યિક મિલકત લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ભાડા સત્તાધિકારી દ્વારા 3 મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાશે અને દરેક કરારને યુનિક આઈડી નંબર ફાળવી વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.

સિક્યોરિટી ડિપોઝિટ: એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ પૂર્ણ કરીને 1 મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.

ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા: ભાડા સંબંધિત વિવાદોના ઝડપી નિવારણ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરાશે.

આવશ્યક સેવાઓ: મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં.

મિલકત ખાલી કરાવવાના નિયમો (કલમ 21): સતત ભાડું ન ચૂકવવું, મિલકતને નુકસાન પહોંચાડવું કે મંજૂરી વગર પેટા-ભાડે આપવાના કિસ્સામાં મકાન માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.

કુદરતી આપત્તિમાં રાહત: પૂર, ભૂકંપ કે ચક્રવાત સમયે મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ અથવા કરાર લંબાવવાની તક મળશે.

પ્રોપર્ટી મેનેજર (કલમ 18): મકાન માલિક પોતાની સુવિધા માટે કાયદાકીય માળખા હેઠળ પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે.

કાયદામાંથી મુક્તિ (કલમ 3): સરકારી પરિસરો, સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, બંને પક્ષોની પરસ્પર સંમતિથી તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકશે.