સત્ય. સાહસ. સંકલ્પ.

ભાડા બિલ 2026 પર રોક: વકીલોની હડતાળ વચ્ચે સરકારે હાઈકોર્ટમાં ખાતરી આપી, જૂનો કાયદો ચાલુ

ભાડા બિલ 2026 પર રોક: વકીલોની હડતાળ વચ્ચે સરકારે હાઈકોર્ટમાં ખાતરી આપી, જૂનો કાયદો ચાલુ

ગુજરાત ભાડા બિલ 2026ના વિરોધમાં રાજ્યભરના વકીલોની હડતાળ વચ્ચે એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે, સરકાર વકીલો સાથે મળીને તેમની માંગણીઓ પર ફરી વિચારણા કરશે. હાલ પૂરતું સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી સરકારે રજૂ કરેલા 'ભાડા બિલ 2026'ની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના 182 જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. વિરોધના આહવાન પગલે આજે (પાંચમી ઓક્ટોબર) સવારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશન પણ કોર્ટની કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું, જેના કારણે હાઈકોર્ટ સહિત તમામ નીચલી કોર્ટમાં ન્યાયિક કામગીરી ખોરવાઈ ગઈ હતી.

હાઈકોર્ટમાં પરિસ્થિતિ અંગે વાત કરતાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'હાલના સમયમાં કોર્ટ એક દિવસ પણ ના ચાલે તો સ્થિતિ ખરાબ છે. વકીલોની જે પણ માંગણીઓ અને રજૂઆતો છે, તેને સરકારે ગંભીરતાથી સાંભળીને સકારાત્મક નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આથી જ ભાડા કરાર સંબંધિત નવો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.'