સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત રેન્ટ બિલ 2026: ભાડા કરાર ફરજિયાત, સિક્યુરિટી ડિપોઝિટ પર કેપ

ગુજરાત રેન્ટ બિલ 2026: ભાડા કરાર ફરજિયાત, સિક્યુરિટી ડિપોઝિટ પર કેપ

ગાંધીનગર: ગુજરાત સરકારે 'ગુજરાત રેન્ટ બિલ 2026' રજૂ કરવાની દરખાસ્ત કરી છે, જે રાજ્યના ભાડા કાયદામાં મોટા ફેરફારો લાવશે. આ બિલનો ઉદ્દેશ્ય મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવવાનો છે.

શહેરી વિકાસ પ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં આ બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દાયકાઓ જૂના ભાડા કાયદામાં સુધારા કરવાની આ તૈયારી છે. પ્રસ્તાવિત બિલ મુજબ, હવે ભાડા કરાર લેખિતમાં કરવો ફરજિયાત બનશે. આ ઉપરાંત, મકાન માલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યુરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. ભાડુઆત મકાન ખાલી કરે ત્યારબાદ જરૂરી કપાત કર્યા પછી બાકીની ડિપોઝિટ એક મહિનામાં પરત કરવી પડશે.

બિલમાં નવી રેન્ટ ઓથોરિટીની રચના કરવાની જોગવાઈ પણ છે. આ ઓથોરિટીને ભાડાની મિલકત સંબંધિત તમામ જરૂરી વિગતો આપવી પડશે. સમારકામની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરાઈ છે. મકાનના માળખાગત સમારકામ માટે મકાન માલિક જવાબદાર રહેશે, જ્યારે નિયમિત સમારકામ માટે ભાડુઆત જવાબદાર ગણાશે.

સૌથી મહત્વની જોગવાઈઓમાંની એક એ છે કે, જો ભાડા કરાર પૂર્ણ થયા પછી પણ ભાડુઆત મિલકતનો કબજો જાળવી રાખે તો તેને બમણું ભાડું ચૂકવવું પડી શકે છે. આ બિલ રાજ્યમાં ભાડા વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવશે તેવી અપેક્ષા છે.