સત્ય. સાહસ. સંકલ્પ.

નોંધણી વિભાગના કર્મચારીઓ આજથી દેખાવો પર, 2 નવેમ્બર સુધીમાં નિરાકરણ ન આવ્યું તો અચોક્કસ હડતાળ

નોંધણી વિભાગના કર્મચારીઓ આજથી દેખાવો પર, 2 નવેમ્બર સુધીમાં નિરાકરણ ન આવ્યું તો અચોક્કસ હડતાળ

ગાંધીનગર: રાજ્યના નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓએ લાંબા સમયથી ચાલી આવતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજથી (12 ઓક્ટોબર) દેખાવો શરૂ કર્યા છે. વકીલો અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ બાદ હવે નોંધણી વિભાગના કર્મચારીઓ પણ સરકાર સામે મેદાને પડ્યા છે, જેને લઈને સરકારની ચિંતા વધી છે.

ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન કર્મચારી મહામંડળે 'ગરવી' પોર્ટલની ટેકનિકલ ખામીઓ અને ટાઈટલને લગતા વિવાદિત પરિપત્રો રદ કરવા સહિતની માંગણીઓ માટે આંદોલનની જાહેરાત કરી છે.

કર્મચારીઓની મુખ્ય માંગ છે કે, મિલકતના ટાઈટલ અંગેના અવ્યવહારુ પરિપત્રો રદ કરવામાં આવે. દસ્તાવેજ નોંધણી માટેના ઓનલાઈન 'ગરવી' પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરીને તેને વધુ સરળ બનાવવામાં આવે. ઉપરાંત, ઓડિટ ફકરાના બહાને કર્મચારીઓને અપાતી કારણદર્શક નોટિસ અને ચાર્જશીટ આપવાની કનડગત બંધ થાય.

આંદોલનના પ્રથમ તબક્કામાં સોમવારે (12 ઓક્ટોબર) જિલ્લા મથકોએ નોંધણી સર નિરીક્ષકને આવેદનપત્ર આપીને વિરોધની શરૂઆત કરવામાં આવશે. બીજા તબક્કામાં 15 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. ત્રીજા તબક્કામાં 22 ઓક્ટોબરે રાજ્યભરના કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જશે.

કર્મચારી મહામંડળની ચીમકી છે કે, જો 2 નવેમ્બર સુધીમાં સરકાર વાટાઘાટો દ્વારા સુખદ અંત નહીં લાવે, તો તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે. આ આંદોલનને કારણે દસ્તાવેજોની નોંધણીની કામગીરી ઠપ થવાની શક્યતા છે, જેનાથી સરકારને કરોડોની આવક ગુમાવવી પડી શકે છે.