સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ, ગાંધીનગર સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, બપોર 1 વાગ્યા સુધી ચેતવણી

અમદાવાદ, ગાંધીનગર સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, બપોર 1 વાગ્યા સુધી ચેતવણી

હવામાન વિભાગે આજે સવારે 10:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે ગુજરાતમાં વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન બહાર પાડ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.

બુલેટિન મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર એમ કુલ છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. અહીં કલાક દીઠ 15 મિમીથી વધુ વરસાદ, 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 60 ટકાથી વધુ વીજળી પડવાની શક્યતા છે.

રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં કલાક દીઠ 5 થી 15 મિમી મધ્યમ વરસાદ, તેજ પવન અને 30 થી 60 ટકા વીજળી પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ અને સામાન્ય થંડરસ્ટોર્મ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં 5 મિમીથી ઓછો હળવો વરસાદ, 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન અને 30 ટકાથી ઓછી વીજળી પડવાની સંભાવના છે.

તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા, ખુલ્લા સ્થળો કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવા અને વાતાવરણ ખરાબ થાય તો સુરક્ષિત આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે.