સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વીજ માંગ ઐતિહાસિક ઊંચી, સાંજે વપરાશ ઘટાડવા સરકારની અપીલ

ગુજરાતમાં વીજ માંગ ઐતિહાસિક ઊંચી, સાંજે વપરાશ ઘટાડવા સરકારની અપીલ

ગુજરાતમાં ચોમાસા બાદ અચાનક વીજળીની માંગમાં મોટો વધારો થયો છે. 16 ઑક્ટોબરે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ 29,822 મેગાવોટ (MW) વીજ માંગ નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ 36.6 ટકા વધુ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ઊર્જા મંત્રીએ તમામ વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી છે અને વધારાની વીજળી તેમજ કોલસા માટે દિલ્હીમાં પણ બેઠકો કરવી પડી છે.

આ વધારાનું મુખ્ય કારણ અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે વધેલું તાપમાન ગણાવાય છે. ગરમી વધતાં એસી અને ફેનનો વપરાશ વધ્યો છે, જ્યારે ખેતીવાડીમાં પાક બચાવવા માટે દિવસના 12,000 મેગાવોટ જેટલો વીજ લોડ નોંધાઈ રહ્યો છે. વધુમાં, પાડોશી રાજ્યો અને ગુજરાતમાં ઓછો વરસાદ થવાથી હાઇડ્રો પાવરનું ઉત્પાદન ઘટ્યું છે અને પવનની ગતિ ધીમી પડતાં પવન ઊર્જાનું ઉત્પાદન પણ પ્રભાવિત થયું છે.

દિવસ દરમિયાન ગુજરાત 12,000 મેગાવોટ સૌર ઊર્જા પર નિર્ભર રહે છે, પરંતુ સાંજે 5થી રાત્રે 11 વાગ્યા સુધી સૂર્યાસ્ત થતાં સૌર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. બીજી તરફ નવરાત્રિ અને તહેવારોને કારણે આ સમયે વીજ માંગ ચરમસીમાએ પહોંચે છે. પરિણામે થર્મલ (કોલસો) અને ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ પર ભારે દબાણ આવ્યું છે.

રાજ્યમાં વીજળીનો પુરવઠો જાળવી રાખવા સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને નવેમ્બરથી રોજના 13થી 14 કોલસાના રેલવે રેક આપવા વિનંતી કરાઈ છે. NTPCના ફરક્કા પ્લાન્ટમાંથી 379 મેગાવોટ અને આસામના ફાળામાંથી 500 મેગાવોટ વીજળી મેળવવા તાત્કાલિક કરારો કરવા પડ્યા છે. ઑક્ટોબર માસ માટે 2,990 મેગાવોટ વીજળી શોર્ટ-ટર્મ ટાઇ-અપ (મોંઘા ભાવે ખરીદી) કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

સરકારે 'પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ છે' તેવો દાવો કર્યો છે, પરંતુ સાથે જ નાગરિકોને સાંજે 5થી 11 વાગ્યા દરમિયાન બિનજરૂરી વીજ વપરાશ ટાળવા અને વપરાશ દિવસના સૌર કલાકોમાં ગોઠવવા અપીલ કરી છે. નિષ્ણાતોના મતે, આ અપીલ દર્શાવે છે કે જો ગ્રાહકો સાંજના સમયે વીજળીનો વપરાશ ઘટાડશે નહીં, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોડ શેડિંગ કે વીજ કાપનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં બેટરી સ્ટોરેજ (BESS) અને ન્યુક્લિયર પ્લાન્ટ્સના આયોજનની વાતો સરકારે કરી છે, પરંતુ વર્તમાન ઓક્ટોબર માસની વીજ કટોકટીએ સરકારના વીજ આયોજન સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.